લોકો તેને “હેલ્મેટ મેન” અથવા તો “હેલ્મેટ ભાઇ” કહીને બોલાવે છે.

હાલના માર્ગ પરિવહનના ઝડપી યુગમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ બેફામપણે વધવામાં જ છે.દરરોજના અનેક એવા અકસ્માતો થાય છે જે ખરેખર અત્યંત દારૂણ હોય છે.આવા હતભાગી લોકો સડક પર અત્યંત કરૂણ મોતને ભેટે છે.એમાંયે બાઇક જેવા ટુ-વ્હીલર વાહનચાલક માટે તો આ અકસ્માતો ચોક્કસ જીવલેણ નીવડી શકે છે.અલબત્ત,જો બાઇકચાલકે હેલ્મેટ પહેર્યું હોય તો એના બચવાની સંભાવના ઘણી જ વધી જાય છે કેમ કે,અકસ્માતમાં મોટા ભાગના મૃત્યુ બ્રેઇન ડેમેજને લીધે થાય છે.મગજમાં લાગતો ઊંડો ઘા જીવલેણ નીવડે છે.માટે હેલ્મેટ પહેરીને વાહન હંકારવુ ખુબ જરૂરી બની જાય છે.

હેલ્મેટ વિના બાઇક હંકારતા લોકો પાસેથી પોલીસ કર્મીઓ દંડ પણ વસુલતા હોય છે.અલબત્ત,મોટા ભાગના કોન્સટેબલને દંડ વસુલીમાં જ રસ હોય છે.પણ દિલ્હીના સંદીપ કુમાર નામના પોલીસ કોન્સટેબલે એક અનોખી જ પહેલ કરી છે.આ માણસ દંડ વસુલીમાં રસ દાખવવાને બદલે મફતમાં હેલ્મેટ આપી રહ્યો છે…!અને એ પણ પોતાને મળતા પગારમાંથી અડધા પગારનો ભોગ આપીને…!

સંદીપ કુમાર મુળે બિહારના છપરા જીલ્લાના દેવપુરા ગામનો વતની છે.અને હાલ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના સુરક્ષાકર્મીની ડ્યુટી બજાવે છે.મહિને મળતા ૪૦,૦૦૦ના પગારમાંથી અડધો-અડધ પગાર તે હેલ્મેટ વિહોણા લોકોને હેલ્મેટ આપવામાં વાપરે છે.તેનું માનવું છે કે,સરકાર આવા લોકોનું ચલણ કાપવાને બદલે તેમને હેલ્મેટ આપે જેથી કરીને આગળ જતાં તેઓ સજાગ બને.

તેમના લગ્નની ૧૦મી વર્ષગાંઠ નિમિત્તે તેમણે ૨૦ બાઇકચાલક મહિલાઓને હેલ્મેટ વિતરણ કર્યું હતું.એ અગાઉ એકવાર તેમના જોડિયા બાળકોના જન્મદિવસ નિમિત્તે પણ તેમણે લોકોને મફતમાં હેલ્મેટ વિતરણ કર્યું હતું.વર્ષગાંઠ,દિવાળી,હોળી,જન્માષ્ટમી જેવા તહેવારોમાં ફાલતું ખર્ચ કરવાને બદલે સંદીપ કુમાર લોકોને હેલ્મેટ વિતરણ કરે છે.અને આ રીતે એક અત્યંત ઉમદા કાર્યનો આ પોલીસકર્મી વાહક બન્યો છે.બે વર્ષમાં તેણે લગભગ પાંચસો લોકોને મફતમાં હેલ્મેટ આપ્યા છે.તેમના ધર્મપત્નીનો પણ આ સેવાભાવી કાર્યમાં સહયોગ છે.

સવાલ એ થાય કે આખરે એવું તો શું બન્યું હશે સંદીપ કુમારના જીવનમાં જેણે તેને આ ધર્મકાર્ય કરવા માટે પ્રેર્યો…?ઇ.સ.૨૦૧૫ના એક દિવસે પોતાના ગામ દેવપુરામાં સંદીપ કુમારે એક બાઇક ચાલકને હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતો જોયો.સંદીપે બાઇક ચાલકને હેલ્મેટ પહેરવા માટે સલાહ આપી.બાઇકસવારે તેમની સલાહને ધુત્કારી કાઢી અને કહી દીધું કે,પોલીસગીરી તારી પાસે જ રાખજે…!અહિં કોઇ ચલણ નહિ કપાય…!અને સંદીપ કુમારે જોયુંતેમ થોડે આગળ જતાં જ તે હતભાગી સવારનું એક્સિડેન્ટ થયું અને એ મોતને ભેટ્યો.

એ કરૂણ ઘટના પછી સંદીપ કુમારે આવા અક્સમાતો ટાળવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા પોતાનાથી થાય એવા પ્રયત્નો કરવાનો નિર્ણય લીધો અને પોતાના પગારમાંથી અડધો ભાગ હેલ્મેટ વિતરણના નામે કર્યો.આજે તેમના ગામ દેવપુરામાં તો ભાગ્યે જ એવું કોઇ હશે જેમની પાસે હેલ્મેટ નહિ હોય…!

મળેલી જાણકારી અનુસાર સંદીપ કુમારે પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીને પણ ભલામણયુક્ત પત્ર લખ્યો છે કે,હેલ્મેટ વગર સવારી કરતા લોકો પાસેથી ચલણ કાપવાને બદલે એ રકમમાંથી તેમને હેલ્મેટ અપાવવાની વ્યવસ્થા કરવામાં આવે…!

બે વર્ષથી સંદીપ કુમાર આ ઉમદા કાર્ય કરી રહ્યાં છે. લોકો તેને “હેલ્મેટ મેન” અથવા તો “હેલ્મેટ ભાઇ” કહીને બોલાવે છે.એક સાધારણ કક્ષાનો માનવી પણ પોતાની યથાશક્તિ મહેનત કરીને દેશના નાગરિકોના જાનની રક્ષા કરી રહ્યો છે, સરહદ પરના જવાનની જેમ…!

લેખક : કૌશલ બારડ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here