કાદુ મકરાણી

કાદુ મકરાણી…!અત્યારે સોરઠ-કાઠિયાવાડ કે નાઘેરનું એકેય ખોરડું એવું નહિ હોય જેણે કાદુ મકરાણી એટલે કે કાદરબક્ષનું નામ ન સાંભળ્યું હોય.કાઠિયાવાડમાં તો આજે પણ કોઇક સાહસી અને નીડર માણસોને લોકો “કાદુ”ના હુલામણા નામથી બોલાવે છે.એના પરથી ખ્યાલ આવે છે કે,કાદુ મકરાણીએ જન માનસ પર કેવો જબરદસ્ત પ્રભાવ છોડ્યો છે.એક દંતકથા સમાન આ વાત આજે પણ લોકો ભુલ્યા નથી.હિન્દુ-મુસ્લીમ એકતાનું કાદુ મકરાણી જીવતુંજાગતું ઉદાહરણ હતું.સોરઠી લોકગાથાઓને જીવંત કરનાર ઝવેરચંદ મેઘાણીએ “સોરઠી બહારવટીયા” પુસ્તકમાં પોતાની આગવી શૈલીમાં કાદુ મકરાણી વિશે લખ્યું છે.એ જ વાર્તા અહિં રજુ કરીએ છીએ.ખાનદાની,વિરતા અને અડગતા માટેના એક પ્રતિક સમાન કાદુ મકરાણી વિશે જાણવાની હંમેશા લોકોમાં તાલાવેલી રહેતી હોય છે.પણ એ પહેલાં થોડી પૂર્વભુમિકા તપાસી લઇએ –

વાત છે ઓગણીસમી સદીના મધ્યભાગની એટલે કે,૧૮૪૦થી ૧૮૫૦ આસપાસની.અત્યારે ગીર-સોમનાથ જીલ્લામાં આવેલ અને વેરાવળથી પાંચેક ગાઉ દુર આવેલ ગામ “ઇણાજ” એ વખતે જુનાગઢના નવાબી શાસનના કબજામાં હતું.એ ગામ જુનાગઢના નવાબે તેની ફોજમાં રહેલાં વિલાયતી મકરાણીઓને ભેટમાં આપેલું.આ મકરાણીઓ હાલ પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાન પ્રાંતમાંથી ભારત આવ્યા હતાં – જે “મકરાણ” તરીકે ઓળખાતો – અને રિન્દ-બલુચ જાતિના હતા.ઇણાજ ગામ નવાબે આ મકરાણીઓને ભેટમાં આપ્યું તેનું કારણ –

માંગરોળ પર એ વખતે નવાબના મળતિયા શેખનું રાજ હતું.શેખના સૈન્યમાં રહેલા વિદેશી આરબોએ બળવો કર્યો,માંગરોળમાં લૂંટ મચાવી અને ઘણી બધી દોલત લઇ નાઠા.કોઇ માડીજાયો એની પાછળ જવાની હિંમત નહોતો કરતો…!જુનાગઢ નવાબને કાને વાત ગઇ,તેમણે ફોજમાં સૈન્યમાં રહેલા બે જવામર્દ મકરાણીઓને લૂંટારાને પકડવાનું કામ સોંપ્યું.અને આ બંને ખેરખાંઓએ આરબોને છેક પેટલાદની બજારમાં આંબ્યા.ખુનખાર ધિંગાણું ખેલાયું અને આ બે મકરાણીઓએ આરબોને પકડીને જુનાગઢ રાજ સમક્ષ રજુ કર્યાં.નવાબે ખુશ થઇ મકરાણીઓને ઇણાજ ગામ ભેંટમાં આપ્યું.

એ પછી મકરાણીઓએ બલુચિસ્તાનમાં રહેલાં પોતાના સગા-સબંધીઓને પણ ઇલાજ તેડાવી લીધાં.આ આવેલા મકરાણીઓમાં બે ભાઇઓ લાંબી સુઝવાળા અને પરાક્રમી હતાં – અલીમહમદ અને વલી મહમદ.જો કે,પરાક્રમી હોવું એ મકરાણની આ રિન્દ-બલુચ કોમમાં કોઇ મોટી વાત નહોતી.બધાં મકરાણીઓમાં લડી ખાવાનો ગુણ તો હતો જ.પણ કમી હતી – વિવેકની,બુધ્ધિની ! આ મકરાણભાઇઓમાં આ બંને ચીજો હતી.

ધીમે-ધીમે ઇણાજમાં મકરાણીઓનું જોર વધવા માંડ્યું.એ સમયે અંગ્રેજોનું શાસન હતું એટલે તેમને મકરાણીઓની આ દાદાગીરી અને આપખુદી ખુંચવા લાગી,એમને ખતરો લાગ્યો કે આ આગળ જતાં ખતરનાક સાબિત થશે તો..!મકરાણીઓમાં એવા જુવાનીયા હતાં જે જુવાનીના તોરમાં કાંઇક અવળું કરી બેસતાં.જુનાગઢની ફોજની સાથે પણ માથાકુટો કરતાં.અલી અને વલી જમાનાના ખાધેલ પણ બધાં થોડાં સરખાં હોય…!પછી તો ઇણાજમાં જે પહેલેથી સ્થિત હતાં એવા અમુક લોકો સાથે પણ મકરાણીઓને વેર વધ્યું.મકરાણીઓ ગામમાં પોલીસને પેસવા ન દેતાં,તેઓ નવાબને અને ફિરંગીઓને દુશ્મન સમજતાં.એકવાર પ્રભાસ પાટણના મેજીસ્ટ્રેટને પણ કહી દીધેલું કે,તું ગમે તે હો પણ તારા ઘરનો ! એ પછી વસ્તી ગણતરી આવી.

અંગ્રેજો ઇણાજમાં આવીને બધાંના માથા ગણશે એવી વાત ફેલાઇ અને મકરાણીઓને આમાં ખુંધા અંગ્રેજોની કોઇ ચાલની ગંધ આવી.એણે અંગ્રેજોને પેસલા ન દીધાં.લુચ્ચી અંગ્રેજ સરકારને તો બહાનું મળી ગયું,હવે ઇણાજ પર કાર્યવાહી થઇ શકે ! જો કે,બાદમાં હરપ્રસાદ ઉદયશંકર ઉર્ફે “હરભાઇ” આવ્યા કે જેમનું કાઠિયાવાડમાં બહુ મોટું નામ હતું.મકરાણીઓ પણ આ માણસ માટે મરી ફીટતાં.એણે વસ્તી-ગણતરી કરી.એમ તો મકરાણીઓ ખાનદાન અને એકવચની હતાં.એમણે કદી નાત-જાતના ભેદ કર્યાં નહોતા પણ ફિરંગીઓની સાથે એને બાપે માર્યાં વેર…! અને એ નાતે જુનાગઢ નવાબ સાથે પણ કેમ કે,એ પણ અંગ્રેજોની કૃપા ઉપર જ જીવતા હતાં ! વળી,અમુક મળતિયા તો ઇણાજના પાદરમાંથી પસાર થાય અને મકરાણીઓ વાળું કરવા બોલાવવા આવે તો નાસી જતાં અને જુનાગઢ જઇને કહેતાં કે,અમને મકરાણીઓ મારવા દોડ્યાં…!પછી એકવાર એક અંગ્રેજને મકરાણીઓએ ગામમાં પ્રવેશતો અટકાવ્યો.અને વાત વધી પડી.જુનાગઢ નવાબે ઇણાજને ભૂંસી નાખવા અંગ્રેજ સરકારની પરમિટ માંગી.અંગ્રેજો તો તૈયાર જ હતાં.કાઠિયાવાડ એજન્સીની પરવાનગી મળી.મુળે નડિયાદના એવા જુનાગઢના દિવાન હરીદાસ વિહારીદાસ દેસાઇઓ હુકમ થયો.કેપ્ટન બેલના પુસ્તક “History of Kathiawad”માં જણાવ્યા મુજબ ૧૫૦ પાયદળ સૈનિક અને ૬૦ ઘોડેસ્વાર સજ્જ થયાં.અને ઇણાજ પર ફોજ છુટી.૪ ઓગસ્ટ,૧૮૮૪નો તે દિવસ હતો.માણેકવાડાનો અંગ્રેજ મેજર સ્કોર્ટ ફોજ સાથે હતો.જેથી કનડામાં જેમ નિર્દયતા આચરાઇ હતી તેમ અહીં ન થાય…!

હવે આગળની વાત મેઘાણીની કલમે.અલીમહમદ અને વલીમહમદ ગામને બચાવવા માટે શું કરે છે અને કાદુ મકરાણી કોણ હતો એ સહિતની રોચક વાત,જે આજે દંતકથા સમાન તે આગળ વધે છે… ]

કાદુ મકરાણી –

“કાલે આંહીઆ તોપ મંડાશે. આપણા ઇણાજ ગામને તોપે ઉડાડશે. તમે સહુ નીકળી જાઓ, ભાઈઓ !”

જુનાગઢનું રાજ હતું: વેરાવળ પાટણનો વનસ્પતિએ લચકતો મુલક હતો : વેરાવળથી પાંચ ગાઉ પર ઇણાજ નામનું ગામડું હતું : એ ગામડાની અંદર સંવત ૧૯૩૯ના ભાદરવા સુદ ત્રીજને દિવસે સવારે આ શબ્દો પડ્યા.બોલનારનું નામ જમાદાર અલીમહમદ : જાતે રિન્દ–બલોચ મકરાણી હતો.ઇણાજનો એ ગામેતી હતો.આધેડ અવસ્થા હતી.પોતાની વસ્તીને ભેળી કરીને આજ ભર્યે ભાદરવે એણે આજ્ઞા દીધી કે “ભાઈ સામત સોલંકી,પુંજા આયર, ફુલી ડોશી, તમે સહુ આજ ને આજ તમારાં ઢોર ઢાંખર અને ઘરની ઘરવખરી લઈને નીકળી જાઓ.કાલે આંહી તોપો ચાલશે.”

“ભલે ને તોપું ચાલતી બાપુ ! અમે તમને મેલીને કેમ જાયેં ?” અલીમહમદ ઉપર હેત રાખનાર વસ્તીએ ભેળા મરવાની હિમ્મત બતાવી.વસ્તીનાં લોકો કેટલા યે દિવસથી આખો મામલો સમજ્યે જતાં હતાં અને આજે તેઓને અલીમહમદના એક વેણમાં જ પૂરો ઘાટ સમજાઈ ગયો.

“ના ભાઈ ! ભીંત હેઠળ ભીંસાઈને તમારે મરવાની જરૂર નથી.મારાં તો મુકદ્દરમાં હશે તે થાશે,તમે સહુ નીકળી જાઓ.આજ ને આજ ક્યાંઈક પડખેના ગામોમાં પહોંચી જાઓ.”

“બાપુ ! અમે નીકળીએ તો ઇણાજ લાજે.”

“ઇણાજ નહિ લાજે.હું ઠીક કહું છું.મારે કાંઇ ધીંગાણે ઉતરવું નથી.સરકાર સામી લડાઈ નથી માંડવી.હું તો મરવા માગું છું ને ઇણાજની લાજ સાચવવા હું એકલો આંહી બેઠો છું.તમે ફિકર કરો મા.જાઓ જલ્દી, ગામલોકોને સમજાવીને ઝટ બહાર નિકાલો.”

વાત કહેતાં કહેતાં અલીમહમદના હાથમાં તસ્બી ફરી રહી હતી.અવાજમાં ઉશ્કેરાટ નહોતો.આંખોમાં રોષની નહિ પણ વેદનાની લાલપ ભરી હતી.

ગામની અંદર વાત પ્રસરી ગઈ.ગામેતીની શીખામણને વશ થઈ વસ્તીનાં લોકોએ ભારે હૈયે પોતાની ગાયો ભેંસો ખીલેથી છોડી,આંસુભરી આંખે ઉચાળા ભર્યા.સહુ અલીમહમદને રામ રામ કરી,રોતાં રોતાં બહાર નીકળ્યાં.અને કાલ સાંજ થાશે ત્યાં તો આ ખોરડાં,આ પાદર,આ વડલા ને આ પંખીડાં,કોઈ નહિ હોય,આપણું ઇણાજ પડીને પાદર થશે,એ વિચાર કરતાં કરતાં,ગામનાં ઝાડવાં ઉપર મીટ માંડતાં માંડતાં લોકો માર્ગે પડ્યાં. પણ બુઢ્ઢાં હતાં તેટલાં પડ્યાં રહ્યાં.પડ્યાં રહેનારમાં એક સામંત સોલંકી,બીજો પુંજા વાલા આાયર,ત્રીજી ફુલી ડોશી લુવાણી,ચોથો બોદો ઢેઢ,પાંચમો કિસો મેતર વગેરે જણ હતા.એને પણ ગામેતીએ પૂછ્યું “તમે શા માટે પડ્યાં છો ?”

“બાપુ !” પોતાની ડગમગતી ડોકીને સ્થિર રાખવા મહેનત કરતી ફુલી ડાશી બેલી: “અમારે ભાગીને શું કરવું છે ? મડાંને વીજળીનો ભો કેવો ? ટાંટીઆ ઢસરડીને મરવા કરતાં અમારા બાપુને પડખે રહી તોપે ઉડીએ,તો સદ્દગતિએ જવાયને ! અમે તો આંહી જ પડ્યા છીએ.ભલે આવતી તોપું.”

* * * * *

“બેટા અબ્દ રહેમાન !” વલીમહમદે પોતાના પાંચ દીકરા માંહેલા એકને બોલાવી કહ્યું : “આપણા ભાઈ ભત્રીજાને આજ ને આજ ભેળા કરો.તરસલીએથી ભાણેજોને,એમણાબુના ત્રણે દીકરા અલાદાદ, ફકીરમામદ અને દીનમામદને તેડાવી લ્યો.”

“પણ અબાજાન ! એની સાથે તો અદાવત [ અણબનાવ ] છે ને ?”

“હવે અદાવત ખતમ થાય છે.ખુદાને ઘેર જાતાં જાતાં દોસ્તી કરી લેવા માગું છું.જલ્દી સાંઢડીઓ રવાનો કરો.”

“બીજા કોને ?”

“જમાદાર સાહેબદાદને સનવાવ ખબર ભેજો.”

“સનવાવ તો અઢાર ગાઉ થાય.કોણ મઝલ કરી શકશે ?”

“આપણા કરસનજી ગામોટ કરી શકશે,એને દોટાવો.અને અમરાપર ભાઇ કાદરબક્ષ [ કાદુ મકરાણી – જે અલીમહમદના કાકાનો છોકરો હતો.અમરાપર અત્યારે સોમનાથથી કોડિનાર હાઇવે જતાં પર પ્રાંચીની પહેલાં આવે છે.મુખ્ય હાઇવે પરથી તે એકાદ કિલોમીટર દુર છે. ]તથા અબાબકરને કહેવરાવો.છેલ્લી વારનો કુટુંબમેળો કરી લઈએ.કાલે તો ખુદાના દરબારમાં હશું.

નોખનોખી દિશાઓમાં ખેપીયા છૂટી ગયા છે,મોહબતદારો આવી પહોંચવાની વાટ જોવાય છે,અને વેરાવળ પાટણમાં એક મોટી ફોજ ઈણાજ ઉપર ચડતી હોવાના સમાચાર મળે છે.જમાદાર અલીમહમદની બધી આશા આથમી ગઈ.એ પોતાના ઓઝલને ઓરડે ચાલ્યો.પોતાની બીબી અમનને પૂછ્યું,

“બોલો તમારી શી મરજી છે ? બાલબચ્ચાંને લઈ ચાલ્યા જાઓ તો હું ખરચી આપું.આપણા વતન મકરાણ ભેગાં થઈ જાઓ.”

“અને તમે?”

“હું અહીં ઘર આંગણે મરીશ,કાલે આંહી કતલ ચાલશે.”

“ખાવંદ ! ચાલીસ વરસથી તમારી સોડ્ય વેઠનારને આજ તમે એકલી જાન બચાવવાનું કહીને કયા વેરનો બદલો લઈ રહ્યા છો ? મને શું મરતાં નથી આવડતું ! હું બલોચની બેટી છું,બલોચની ઔરત છું,બલોચની જનેતા છું.”

“પણ બીબી ! તમારે આંહી બહુ બુરી રીતે મરવું પડશે.આ ઓરડાની નીચે હું દારૂ ભરાવીશ ને છેલ્લી ઘડીએ આખો એારડો ફુંકાવી દઈશ.મારાં બાલબચ્ચાંને રાજના હાથમાં જવા નહિ દઉં.હું રિન્દ–બલોચ છું.”

“આપ ઠીક પડે તે રીતે અમને ઉડાવી દેજો.બચ્ચાં સહિત મારૂં છેલ્લુ ઠેકાણું તો આ ઓરડો જ છે.”

ઓરડા નીચે સુરંગ ખોદાવીને અલીમહમદે દારૂ ધરબાવ્યો.પોતે ઓસરીમાં બેઠક લીધી.એક બાજુ હથીયાર મુક્યાં છે.સામે ઘોડી પર ઉઘાડું કુરાન પડ્યું છે.દીવો બળે છે. આખી રાત જાગીને અલીમહમદ કુરાન વાંચી રહેલ છે.

[ આગળની વાત બીજા ભાગમાં…. ]

[ જરૂરથી વાંચજો અને શેર કરીને બીજાને પણ વંચાવજો આ મહાનગાથા.આપણે ગર્વ લઇ શકીએ કે,આપણી ધરતી ઉપર “સવાયા રોબિનહુડો” પાક્યાં છે.કાદુ મકરાણી તેમાનો એક છે.આગળની રોચક વાત હવે પછીના ભાગમાં.ત્યાં સુધીમાં મેઘાણીની કલમે લખાયેલ આ ભાગ વાંચી અને બીજાને પણ આપણા ઇતિહાસ પ્રત્યે જાગૃકતા ઉત્પન્ન થાય માટે શેર કરજો. ]

લેખક : ઝવેરચંદ મેઘાણી

Writer : Kaushal Barad.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here