હાકલ દીયે હિરણમાં,જેની રાવળ સુધી રાડ્ય
સિંહણ જાયો છેડતાં,વડી વસામણ થાય!

ભારત અને વિશ્વમાં પ્રવાસન ક્ષેત્ર માટે ગુજરાતની ખ્યાતિ વધારવામાં અડધાથી વધુ ફાળો માત્ર ગીરના સિંહોનો જ છે!સિંહ વગરનું ગુજરાત એટલે ભરતકામ વિનાનું પટોળું!સાસણ ગીરના જંગલ સિંહો થકી જ ઉજળાં છે.ગીર નેશનલ પાર્કમાં સિંહને જોવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે.હવે દુનિયામાં સિંહ માત્ર બે ઠેકાણે બચ્યાં છે-આફ્રિકામાં અને ગીરમાં.

૧૭ નવેમ્બર,૨૦૧૭ના દિવસે આખું ગીર રોયું હશે જ્યારે ગીરના સિધ્ધ સમ્રાટ જેવા ૧૬ વર્ષના સૌથી વૃધ્ધ સિંહરાજ મરણને શરણ થયા હતાં!સામાન્ય રીતે સિંહનું આયુષ્ય ૧૨-૧૩ વર્ષ હોય પણ આ સિંહ ૧૬ વર્ષ જીવેલો અને એ પણ પોતાના વિશાળ વિસ્તારમાં એકચક્રી રાજ સ્થાપીને!આ કોઇ જેવી તેવી વાત નથી.

ગીરના જંગલના સૌથી વૃધ્ધ અને શહેનશાહ-એ-આલમ જેવા આ સિંહનું નામ હતું-મૌલાના.એની મૌલવી જેવી દાઢીને લીધે આ નામ આપવામાં આવેલું!

સિંહો કોઇ પથ્થર અથવા છોડ કે એવી કોઇ જગ્યા પર મુત્ર વિસર્જન કરીને પોતાની સરહદો નક્કી કરતાં હોય છે.એ વિસ્તારમાં એ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે.એક સમયે મૌલાનાના રાજ્યની બોર્ડર ક્રોસ કરવાની કોઇની હિંમત નહોતી ચાલતી!ભલભલાં સિંહોને થથરાવી દેનાર હતો મૌલાના!

મૌલાનાએ લગાતાર બાર વર્ષ સુધી ગીરના વિશાળ વિસ્તારમાં એકચક્રી શાસન ચલાવેલું.વળી,પાસેના ગામડાનાં લોકો સાથે તેને હળીમળી રહેવાનો પણ વ્યવહાર હતો!માટે તે બધાનો માનીતો બનેલો.

અમિતાભ બચ્ચને ગુજરાત ટુરીઝમની એડ બનાવી તેમાં જે ડાલામથ્થો દેખાય છે તે આ જ મૌલાના છે!કહી શકાય છે બચ્ચન સાથે તેમણે એક પ્રકારે કો-એક્ટરની ફિલ્ડ પ્રદાન કરી હતી!અમિતાભે મૌલાનાના ભરપુર વખાણ કરેલા છે.

મૌલાનાનો જન્મ કમલેશ્વર ડેમ વિસ્તારમાં થયો હતો.માદા સિંહણ ટપ્પુ સાથેના તેમના યુગલે સિંહના ૧૫ બચ્ચાંને જન્મ આપેલો.આમ,ગીરના સિંહોની વસ્તી વધારવામાં પણ મૌલાનાનું પ્રબળ યોગદાન છે.આજે તેમની ત્રીજી પેઢી ગીરમાં વિહરી રહી છે.

છેલ્લા છ મહિનાથી એ બિમાર હતો.સમ્રાટ સુતો હોય ત્યારે કોઇપણ એના રાજમાં આંટા દઇ જાય તેમ ઘણા સિંહો તેના સીમાડામાં પ્રવેશી ગયેલા.છેલ્લા બે વર્ષથી મૌલાના એકલ જીવન જીવતો હતો.તાલાળા પંથકમાં આવીને તે વસી ગયેલો.પાછલાં થોડા દિવસો સાસણના મેડિકલ કેરમાં તેમની સારવાર થયેલી.અંતે ૧૭ નવેમ્બર અને બુધવારના રોજ રાતે તે સ્વર્ગે સીધાવ્યો હતો.

સ્થાનિક લોકો સહિત ગીર ફોરેસ્ટના અધિકારીઓ,ટ્રેકરો સાથે તેને જાણે ગાઢ નાતો બંધાય ગયેલો.મૌલાનાના મરણના સમાચારથી બધા વ્યથિત થઇ ગયેલા.મૌલાનાને વિધિવત્ અગ્નિદાહ દેવામાં આવેલો.જેમ સમ્રાટનું મૃત્યુ થતાં સામ્રાજ્ય સુનું લાગે તેમ ગીરનું જંગલ સુનું થઇ ગયું!

આવા જાજરમાન વ્યક્તિત્વને જોઇને ભગતબાપુનો એક દુહો યાદ આવી જાય –

રાજ રીત જાતી કરી,ખડ જો સાવજ ખાય
તો તો લાજે સિંહણના દુધડા,એને ભવની ભોઁઠપ થાય!

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here