હૈયાની હાટડી ખોલી,બેસી રે’જે બાર જી
‘કાગ’ ઝવેરી કોઇ મળી જાશે,તારો થઇ જાશે બેડો પાર!

લોકસાહિત્યમાં જેવોતેવો રસ ધરાવતા લોકો પણ આ ક્ષેત્રના બે નામથી અજાણ હોય એવું કદી ના બને.એક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી;અને બીજા દુલા ભાયા કાગ!દુલા ભાયા કાગ”ભગતબાપુ” એટલે ચારણી સાહિત્યને વિશ્વ ફલક પર મુકનાર ભક્તકવિ!જેના માટે ઉચિત રીતે કહેવું પડે કે,”હવે અવર કાગ,થાશે આ જગમાં આ યુગમાં?”

લોકશૈલીમાં-ચારણીશૈલીમાં રચાયેલા તેમના ભજનો-છંદો-સોરઠા-ગીતો-દુહાઓ આજે પણ ગામને ચોરે કે લોકડાયરાઓમાં ગવાતા હોય છે,તેમના વિના ધરતીના અમીની મોજ કઇ રીતે લઇ શકાય?લગીર પાંચ ધોરણ ભણેલો,કાઠિયાવાડના પાદરોમાં ભેંસો ચારતો આ ચારણ ખરેખરો હિરલો થઇને ચમક્યો’તો હોં!

તારીખ ૨૫ નવેમ્બર,૧૯૦૨ના રોજ ભાવનગર પાસેના મજાદર ગામે દુલા કાગનો જન્મ થયો હતો.પિતા ભાયા ઝાલા કાગ અને માતા ધનબાઇનું એ સંતાન.ચારણ વરણ અને ધંધો મુળે ખેતી અને માલ-ઢોર ચરાવવાનો.દુલા કાગે પાંચ ચોપડી અભ્યાસ કર્યો અને પછી બાપ-દાદાનો ખેતીનો ને ઢોરાં ચારવાનો ધંધો સંભાળી લીધો.મુળે ચારણનો જીવ તે વગડામાં ભેંસો ચરતી હોય ને દુલો ઉભો-ઉભો હરીનામના ભજન ગાતો હોય!હરીભક્તિનો પાક્કો રંગ નાનપણથી જ લાગેલો.

દસેક વર્ષની ઉંમરે દુલા કાગને મુક્તાનંદ સ્વામીનો ભેટો થયો અને દુલાના વાણીના દ્વાર ઉઘડી ગયાં!આ મહજ અભણ છોકરામાં અસલ ચારણી શૈલીમાં કવિતા કરવાની ગજબની આવડત જામી.હવે તો એ ડાયરા ડોલાવવા લાગ્યો.એના ભજનો-દુહાઓ પર કાઠિયાવાડ આફરીન થઇ ગયું.એ વખતની માથે ઝવેરચંદ મેઘાણી,જયમલ્લ પરમાર,મેરુભા ગઢવી,પ્રભાશંકર પટ્ટણી જેવા રાજરત્નોમાં દુલો કાગ ગાજવા માંડ્યો!

ભટકી ગયેલા ચારણોને નવો રાહ ચીંધવામાં દુલા કાગનું પ્રદાન મહત્વનું રહ્યું છે.કેશોદના મઢડાના ચારણઆઇ સોનલ માં અને દુલા કાગ જેવા અમીરત્નોએ ચારણોને એની ભુલાઇ ગયેલી વિરાસત ફરી યાદ અપાવી,માર્ગ ચીંધાડ્યો.બીજા વર્ણને પણ ઉજાગર કર્યાં.ધરતીના મહેનતી માઢુડાઓ પ્રત્યે દુલા કાગની ભાવના અમીભરી હતી.

એ વખતે ગાંધીજીએ રણહાક ગજવી અને સ્વરાજનો હોંકાર પડ્યો.દુલા કાગ ગાંધીરંગે રંગાયા.ગાંધીજી ઉપર એણે ઘણી કવિતાઓ કરી.ગાંધીજીને બિરદાવતી એમની કવિતાઓ આજે પણ અમર છે-“ગાંધીડો મારો સો સો વાતુંનો જાણનારો” અને “આખા દેશના ડાહ્યા,હવે ગામથી રે છેટે નીંભાડો તું માંડજે!”જેવી.

તેમણે લખેલા “કાગવાણી”ના આઠ ભાગ આજે ગુજરાતી સાહિત્યની અમૂલ્ય કૃતિઓમાંની એક છે.આ આઠે ભાગ કોઇ અજાણ વ્યક્તિને ચારણી-લોકશૈલીના અમીને ઓળખાવી દેવા માટે પુરતાં છે!

ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી દુલા કાગના ખાસ મિત્ર,એમ કહોને કે દુલા કાગનું ઘડતર કરનાર માનવી!પ્રભાશંકર પટ્ટણી તો દેવ જેવા માણસ હતાં!દુલા કાગે એમના માટે લખ્યું છે -“એ દિવસ પટ્ટણી પ્રભાશંકર યાદ સૌને આવશે…!”પ્રભાશંકર પટ્ટણીના મૃત્યુ પછી દુલા કાગ બહુ વિરહ પામેલા અને એ પછી તેમના કાળજાના અશ્રુમાંથી ફુટી આવી હોય એવી પંક્તિઓ બહાર આવેલી –

કોઇ રો’શો મા માવડીને રો’શો મા બેનડી,
એ દાઢીવાળાને મેં જીવતો દી’ઠો….!

વિનોબા ભાવેના “ભુદાન યજ્ઞ”માં કવિ કાગે અમૂલ્ય યોગદાન આપેલું.વિનોબા ભાવે ઉપર તેમણે “વિનોબા બાવની”પણ લખેલી છે.ભક્તકવિ તરીકેનો દરજ્જો તો ગુજરાતી સાહિત્ય જગતમાં બે જ વ્યક્તિને મળ્યો છે – એક દામોદરનો દુલારો નરસિંહ મહેતો અને બીજો કવિવર કાગ દુલો!કવિ કાગનું હુલામણું નામ “ભગતબાપુ” હતું.

પગ મને ધોવા દ્યો રઘુરાય,આવકારો મીઠો આપજે,અમે નીસરણી બનીને દુનિયામાં ઉભા,સોઇ હિંદ કી રાજપૂતાનીયા થી,વડલો કહે છે વનરાયું સળગી જેવી અનેક ઉત્કૃષ્ટ કક્ષાની રચનાઓ તેમણે આપી છે.સને ૧૯૭૭ અને ૨૨મી ફેબ્રુઆરીએ આ અણમોલ રત્ન ફાની દુનિયા છોડીને રામમાર્ગે ચાલી નીકળેલ.

ઇ.સ.૧૯૬૨માં ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરેલા.૨૫ નવેમ્બર,૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલખાતાએ દુલા કાગની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલ ટિકીટ બહાર પાડેલી.તેમની જન્મભૂમિ મજાદરને આજે સત્તાવાર રીતે “કાગધામ”નો દરજ્જો મળ્યો છે.

આજે પણ કાગબાપુની પૂણ્યતીથી નિમિત્તે મજાદરમાં “કાગને ફળીયે,કાગની વાતું”નામ કાર્યક્રમ પૂજ્ય મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતીમાં યોજાય છે અને લોકસાહિત્ય કલાક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન આપનાર વ્યક્તિઓને પૂજ્ય બાપુના હસ્તે “કાગ એવોર્ડ” અર્પણ કરવામાં આવે છે.

તેમની અનેક અમર રચનાઓ પૈકીની એક રચના અહીં પ્રસ્તુત છે –

‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧

’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને. ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩

’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને. ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫

’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને. ૬

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here