પ્રેરણાના પંથે – દિનેશ દેસાઈ

જીવનમાં સ્વાભિમાન હોય, અભિમાન નહીં

પેટા હેડિંગઃ-
શ્રેષ્ઠતાના મદમાં રાચતા અર્જુનનું અભિમાન ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને ચકનાચૂર થઈ જાય છે. અર્જુનને પોતાની શક્તિના ગર્વનો અહેસાસ થાય છે અને પોતાની ભુલ સમજાય છે. અર્જુન પોતાનું સર્વસ્વ ત્યાગીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં નતમસ્તક થઈ જાય છે.

શ્રીમદ્ ભાગવત્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે “सर्वधर्मान् परित्यज्ये मामेकम् शरणम् भजः” અર્થાત્ બધા ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવ. બધા સંશય અને બધી મોહ-માયાનો ત્યાગ કરવા પણ ભગવાન કહે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જીવનમાં સ્વાભિમાન હોય પરંતુ અભિમાન તો કદાપિ નહીં. અભિમાન જ વ્યક્તિનો અંગત શત્રુ છે. જે વ્યક્તિને કોરી ખાય છે, મારી નાખે છે, યાને પરાસ્ત કરી દે છે.

કુરુક્ષેત્રના રણમેદાનમાં મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પરમસખા અર્જુનના સારથિ બન્યા છે. ધર્મ વિરુદ્ધ અધર્મનું યુદ્ધ ચાલી રહ્યું છે. સામસામે છાવણીઓ બંધાયેલી છે. દરરોજ સૂર્યોદય સાથે યુદ્ધનો આરંભ થાય અને સૂર્યાસ્ત સાથે યુદ્ધવિરામ થાય. જ્યારે જ્યારે અર્જુન હરીફો પૈકી કર્ણને નિશાન બનાવે અને બાણવર્ષા કરે ત્યારે ત્યારે કર્ણનો રથ ઘણો જ પાછળ જતો રહે છે. બીજી તરફ જ્યારે કર્ણ તીર છોડે છે ત્યારે અર્જુનનો રથ માત્ર સાતેક પગલાં જ પાછળ પડે છે.

ભગવાન શ્રીકૃષ્ણ આ વખતે અર્જુનની પ્રસંશા કરવાના બદલે દર વખતે કર્ણને બિરદાવતા કહેતા કે “કેટલો વીરપુરુષ છે, આ કર્ણ, કે જે આપણા રથને સાતેક પગલાં પાછો પાડી દે છે.”

આ સાંભળીને અર્જુન પરેશાન થઈ જાય છે. તેને ભગવાન ઉપર પણ સંશય થઈ આવે છે કે ભગવાન મારી બાણવિદ્યાના વખાણ કરવાના બદલે મારા હરીફના વખાણ કેમ કરે છે.

એક વાર તો અસમંજસની સ્થિતિમાં અર્જુને પુછી જ લીધું કે “હે પ્રભુ, તમે મારી સાથે આવો પક્ષપાત કેમ કરો છો? મારા પરાક્રમની આપ નોંધ પણ લેતા નથી અને આપણા રથને માત્ર સાતેક પગલાં પાછળ ધકેલી દેનાર કર્ણના આપ દર વખતે વખાણ કરો છો, આમ કેમ?”

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે “હે પાર્થ, તને ખબર નથી કે તારા રથ ઉપર મહાવીર હનુમાન અને હું એટલે કે સ્વયં ભગવાન વિષ્ણુ બિરાજમાન છીએ. જો અમે બે ના હોય તો તારા રથનું અત્યારે અસ્તિત્વ પણ રહ્યું ન હોય, કેમ કે એટલી ગતિ અને શક્તિથી કર્ણના બાણોનો હુમલો આ રથ ઉપર થાય છે. સાક્ષાત બજરંગબલી હનુમાનજી અને હું સ્વયં હોવા છતા કર્ણના બાણ આ રથને સાત પગલાં તો પાછળ ધકેલી જ દે છે, એ બાબત કર્ણના મહાબળવાન હોવાનો સંકેત છે, ધનુર્ધર.”

અર્જુન તો આ સાંભળીને પોતાની અસમર્થતા જાણીને સંકોચ અનુભવવા લાગ્યો. આ તથ્યને અર્જુન વિશેષ ઊંડાણપૂર્વક ત્યારે સમજ્યો કે જ્યારે યુદ્ધ સમાપ્ત થયું. પ્રત્યેક દિવસે સાંજ પડે અને યુદ્ધવિરામ ઘોષિત થાય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ રથમાંથી સૌપ્રથમ ઉતરીને પોતાનો સારથિધર્મ બજાવીને અર્જુનને ટેકો આપીને રથ ઉપરથી નીચે ઉતારે છે.

યુદ્ધમાં વિજય મળ્યો ત્યારે યુદ્ધના છેલ્લા દિવસે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને અનુરોધ કર્યો કે “હે પાર્થ, આજે હવે રથમાંથી સૌપ્રથમ તમે નીચે ઉતરો અને રથમાંથી ઉતર્યા બાદ દૂર જઈને ઉભા રહો તથા મારી પ્રતીક્ષા કરો.”

અર્જુન ભગવાનની આજ્ઞાનું પાલન તો કરે છે, પરંતુ તેને આ સાંભળીને નવાઈ જરુર લાગે છે. અર્જુન જોઈ રહ્યો છે કે પોતાના ઉતર્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ જેવા રથમાંથી નીચે ઉતરે છે કે તરત જ સમગ્ર રથ પ્રચંડ વિસ્ફોટના ધડાકા સાથે બળીને ભસ્મ થઈ જાય છે. આ જોઈને અર્જુન તો આશ્ચર્યચક્તિ થઈ જાય છે.

અર્જુનની આંખોમાં કૌતુકભર્યા સવાલને પામી જઈને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે “હે પાર્થ, તારો રથ તો યુદ્ધમેદાનમાં ક્યારનોય બળીને ભસ્મ થઈ ચૂક્યો છે. ભીષ્મપિતામહ, ઋષિમુનિ આચાર્ય કૃપાચાર્ય, ઋષિમુનિ આચાર્ય દ્રોણાચાર્ય અને મહાબળવાન કર્ણના દિવ્યાસ્ત્રોથી તારો રથ તો નષ્ટ થઈ ચૂક્યો છે. આ તો મારા સંકલ્પબળથી રથને યુદ્ધની સમાપ્તિ સુધી જીવિત રાખ્યો. જેનું હમણા તારી નજર સામે જ વિસર્જન કર્યું છે.”

પોતાની શ્રેષ્ઠતાના મદમાં રાચતા અર્જુનનું અભિમાન ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને ચકનાચૂર થઈ જાય છે. અર્જુનને પોતાની શક્તિના ગર્વનો અહેસાસ થાય છે અને પોતાની ભુલ સમજાય છે. અર્જુન પોતાનું સર્વસ્વ ત્યાગીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં નતમસ્તક થઈ જાય છે. પોતાના મસ્તક પરથી અભિમાનનો વણજોઈતો બોજ ઉતારીને હવે તે હલકાપણું અનુભવી રહ્યો છે.

સ્વાભિમાન અને અભિમાન એ પરસ્પર વિરોધી દશા અને દિશા છે. દરેક વ્યક્તિને પોતાનું આગવું સ્વાભિમાન હોય અને હોવું જ જોઈએ. જે સ્વમાન દરેક વ્યક્તિની ઓળખ અને સ્વમાન વ્યક્તિની પૂંજી છે. પરંતુ વ્યક્તિને એ બાબતનું વિવેકભાન રહેવું જોઈએ કે સ્વાભિમાન કદીક અભિમાનમાં ના ફેરવાઈ જાય. સ્વાભિમાન વ્યક્તિની ગરિમાને ગૌરવ અપાવે છે. પરંતુ અભિમાન તો વ્યક્તિનો છુપો દુશ્મન જ છે કે જે વ્યક્તિને હંમેશા આંતરયુદ્ધ કે બાહ્યયુદ્ધમાં પરાસ્ત કરાવે છે, કાયમ હરાવે જ છે. આપણે આપણી સાથે જોડાયેલી દરેક બાબતનું સ્વાભિમાન અવશ્ય રાખીએ, પરંતુ અભિમાન તો કદાપિ નહીં.

જસ્ટ ટ્વીટઃ-
“અભિમાન જીવનમાં કષ્ટ જ આપે છે. અહંકાર છોડો પરંતુ સ્વાભિમાન માટે તો લડતા જ રહો.” – ગાંધીજી

dineshdesai303@gmail.com
#દિનેશદેસાઈ
#PremJindgeenusarnamu
#પ્રેમઝરૂખો
#Sabseunchipremsagai
#દિનેશદેસાઈસાહિત્ય
#dineshdesai
#dineshdesaiauthor

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here