પ્રેરણાના પંથે – દિનેશ દેસાઈ

દરેક વ્યક્તિનો સ્વભાવ જન્મજાત હોય છે. તેને આપણે બદલી શકીએ નહીં, પરંતુ દરેક વ્યક્તિ પ્રત્યે આપણે પૉઝિટિવ તો અવશ્ય બની શકીએ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ગુણ હોય છે, એને આવકારીએ.બધા ધર્મો અને બધા શાસ્ત્રોનો સાર માત્ર પ્રેમ છે.

પ્રમુખ સ્વામીએ કહ્યું છે કે “પ્રાર્થના એક એવું શસ્ત્ર છે કે જેની નકલ શત્રુ પણ કરી શકે નહીં.” ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે કહેવાયેલ વચનામૃત નવમું (પાડા ખારનું)માં શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કે “જેને એવી મલીન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને સાધુ કહીએ કે ના કહીએ? જે એવો હોય તેને તો સાધુ ના કહેવાય.”

આંટી ચાર પ્રકારની ગણાવી શકાય. (1) હવામાં લીટી, (2) પાણીમાં લીટી, (3) લોટમાં લીટી અને (4) લોખંડમાં લીટી. હવામાં લીટી કરી જુઓ. હવા બે ભાગમાં વહેંચાઈ જશે પરંતુ કોઈને કશી જ ખબર નહીં પડે. માત્ર તમારી એકશન જ બીજી વ્યક્તિ જોઈ શકશે. પાણીમાં લીટી દોરીએ તો એકશન દેખાવાની સાથે પાણી સહેજ આઘું-પાછું થયેલું જણાશે અને કાચી સેકન્ડમાં તો પાણી સરખું થઈને પૂર્વવત્ થઈ જશે. જ્યારે લોટમાં લીટી દોરીએ તો દેખાશે પણ પાછી ફૂંક મારી દો તો લોટ સરખો થઈ જશે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે. હવે લોખંડ ઉપર લીટી કરવી હોય તો લોખંડને ગરમ ભઠ્ઠીમાં તપાવવું પડે એ પછી ઘણ વડે ઘા મારવો પડે ત્યારે ભુંસાય નહીં તેવી લીટી પડી જશે.

આંટી ક્યારે પડે? સંબંધમાં તિરાડ ક્યારે પડે? કોઈ સાથે મનદુઃખ ક્યારે થાય? આપણે સૌ કોઈમાં ગુણદૃષ્ટિ રાખીએ તો તિરાડ જ ના પડે. સામેની વ્યક્તિમાં હંમેશા ગુણ જોવા યાને પોઝિટિવિટી અને પોતાના અવગુણ વિશે સતત જાગૃત રહેવું. હવામાં પણ લીટી ના પડે તેની કાળજી લેવી.

હેપી લાઈફનો ફંડા છે, ઑલવેઝ બી પ્લસ – પૉઝિટિવિટી.દરેક વ્યક્તિનો સ્વભાવ જન્મજાત હોય છે. તેને આપણે બદલી શકીએ નહીં, પરંતુ દરેક વ્યક્તિ પ્રત્યે આપણે પૉઝિટિવ તો અવશ્ય બની શકીએ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ગુણ હોય છે, એને આવકારીએ. ગુજરાતી કહેવત પણ છે કે “પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.”એટલે કે આપણે કોઈને સ્વેચ્છાએ સુધારી શકીએ નહીં. એક વાર શ્રીજી મહારાજ નાગરકા ગામે વિચરણમાં આવ્યા. જે હરિભક્તના ઘરે ઉતારો હતો તે હરિભક્તની ઘોડીનો સ્વભાવ એવો કે માલિક સિવાય કોઈ પણ વ્યક્તિ સહેજ પણ અડે તો ઘોડી પાછલા પગની લાત મારે.

શ્રીજી મહારાજે આ વાત જાણીને નક્કી કર્યું કે “આજે તો એનો સ્વભાવ મૂકાવવો જ છે.” તેઓ સવારથી પેલી ઘોડી સામે એક લાંબી લાકડી લઈને બેઠા. ઘોડીને જેવી લાકડી અડાડવામાં આવે કે તરત ઘોડી પાછલા પગની લાતનો પ્રહાર કરે. શ્રીજી મહારાજ થોડી થોડી વારે લાકડી અડાડતા રહેતા. જે લાતનો પ્રહાર 100 વૉટના કરંટ જેવો હતો તે ધીમે ધીમે 99 અને 98 અને 97 એમ ઘટતો ગયો. બપોર સુધી તો ઘોડીની તાકાત ઘટતી ગઈ. તેની પાછલા પગની લાત મારવાની ક્ષમતા જાણે ઓછી થઈ ગઈ અથવા તે પગ ઊંચો કરવાની બાબતમાં કંટાળી ગઈ. સાંજ પડતા સુધી તો હવે ઘોડીને લાકડી અડાડો કે હાથ પણ અડાડો તો પ્રતિભાવ આપવાના બદલે શાંત જ ઉભી રહેવા લાગી. સાંજ સુધીમાં તો ઘોડીએ પોતાનો સ્વભાવ મૂકી દીધો.

આખા જગતને ચામડાથી મઢી શકાય નહીં, એના કરતા આપણે જ જૂતાં પહેરીએ, એનું નામ પૉઝિટિવિટી. સામેની વ્યક્તિના કોઈ પણ કાર્યમાં હકારાત્મક બનીએ અને પોતાના દરેક કાર્યમાં શ્રેષ્ઠ કરતા રહીએ. આપણે જે કોઈ કાર્ય કરીએ તેમાં પરફેક્શન યાને સચોટતા આવે ત્યારે સમય જતા જે તે કાર્યમાં નિપૂણતા પણ આપોઆપ આવી જાય છે.

શ્રીજી મહારાજે ગઢડા મધ્યના બીજા વચનામૃત (પાણીની સેરનું)માં કહ્યું છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ-સનકાદીક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે અને ઈન્દ્રિયો અંતઃકરણ છે, તે જીવ સાથે વળગી રહ્યાં છે અને ઈન્દ્રિયો ને અંતઃકરણ છે તે બહાર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે.

ભગવાન સ્વામિનારાયણ તો આત્યંતિક કલ્યાણ માટે ઈન્દ્રિયો ઉપરના વિજયની સચોટ વાત કરે છે. પરંતુ સામાન્ય જીવનમાં અને રોજબરોજના વ્યવહારમાં પણ આ વાત આત્મ-શ્રેયસ્કર છે. એ વાત કબુલ કે ઈન્દ્રિયો ઉપર કાબુ ઘણી જ અઘરી બાબત છે, પરંતુ અશક્ય તો નથી.

પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રુસ ઉપર ચઢાવવામાં આવ્યા એ પછી તેમના 12 અંતેવાસી (શિષ્યો) સ્વદેશ છોડીને ઈટાલીના શહેર રોમ આવી ગયા હતા. એમાંના એક એટલે સૅન્ટ પીટર. તેઓને પ્રભુભક્તિનો પ્રસાર કરતા જોઈને રોમ સરકારે તેમનો વધ કરાવી દીધો હતો. બીજા શિષ્યોએ ભેગા મળીને વેટિકન નામની જગ્યાએ એક સ્મારક બનાવ્યું. જે આજે સૅન્ટ પીટર્સ્ હાઉસ નામે જાણીતું છે. અહીં સૅન્ટ પીટરના જીવન અને કાર્યની ઝાંખી જોવા મળે છે. સ્મારકનો ડૉમ 450 ફીટ ઊંચો અને કલાત્મક છે.

મહત્વની વાત માનવજીવન અને એનું માહાત્મ્ય છે. પૃથ્વી પર જન્મ લેનાર માનવીની સરેરાશ આયુષ્યમર્યાદા સંશોધકો અને વૈજ્ઞાનિકોના મતે 60 વર્ષ છે. સરેરાશ 21,600 દિવસ આપણે જીવી લેવાનું છે અને આપણું કાર્ય સિદ્ધ કરી લેવાનું છે. માનવ જીવન આંખના પલકારામાં વીતી જાય છે અને મોત કોઈની રાહ જોતું નથી કે કોઈની શરમ રાખતું નથી. નવધા ભક્તિ એ કળિયુગમાં ઈશ્વરને પામવાનો સાધનામાર્ગ છે. બધા ધર્મો અને બધા શાસ્ત્રોનો સાર માત્ર પ્રેમ છે.

જસ્ટ ટ્વીટઃ-

ધૃણા કરવાનું કાર્ય શેતાનનું છે, પ્રેમ કરવાનું કાર્ય દેવતાનું છે.

મહર્ષિ ભર્તૃહરિ

 

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here