સંબંધમાં આપણને જે પાઠ ભણવા મળે છે, એ કોઈ સ્કૂલ-કૉલેજમાં મળતો નથી. રિલેશનમાં પણ લેશન હોય છે. જ્યારે તમને મદદની જરુર હોય ત્યારે તમે બધા પાસે અપેક્ષા ન રાખી શકો. વડ, પીપળ અને લીમડો જ તમને છાંયો અને શાતા આપી શકે, આસોપાલવ નહીં.

વિનોબા ભાવે કહેતા કે “રાયણ અને લીંબોડી દેખાવમાં સાવ સરખા જ જણાય. પરંતુ એને ચાખો તો ખબર પડે કે મીઠાશ આવી તે રાયણ અને કડવાશ આવી તે લીંબોડી. માણસનું પણ એવું જ હોય છે. માણસની નજીક જાઓ અને અનુભવ કરો પછી જ સારા-ખોટાની ખબર પડે.”

બાળપણના દોસ્ત સૌને યાદ આવે, સૌને યાદ હોય. જેણે સ્કૂલમાં તમને અણીના સમયે નાનકડી પેન્સિલ માગી તો એ પણ આપી નથી તે તમને વયમાં મોટા થયા પછી શું મદદ કરશે, એ તમારે સમજી રાખવું જોઈએ. આવું બ્રહ્મજ્ઞાન બધા પાસે હોતું નથી. બાળપણના એવા ફ્રેન્ડઝને મિસ કરવાનો કોઈ મતલબ નથી કે જે તમારા કામના સમયે તમને ક્યારેય કામ લાગ્યા જ નથી. ઘણા લોકો તમને મદદરૂપ થવાનો દેખાવ કરતા હોય છે, હકીકતમાં તમારા માટે એવા લોકો બોજારૂપ જ હોય છે.

માળી જે ડાળ કહોવાય તેને કાપી જ નાખે, કેમ કે એમાં અંકુર ફૂટવાના ચાન્સ જ ન હોય. ખેડૂતને ખેતરમાં જ્યાં સૂકારો દેખાય તેવા ધરુ મૂળ સોતા ઉખાડી ફેંકે. સંબંધમાં આપણને જે પાઠ ભણવા મળે છે, એ કોઈ સ્કૂલ-કૉલેજમાં મળતો નથી. રિલેશનમાં પણ લેશન હોય છે. જ્યારે તમને મદદની જરુર હોય ત્યારે તમે બધા પાસે અપેક્ષા ન રાખી શકો. વડ, પીપળ અને લીમડો જ તમને છાંયો અને શાતા આપી શકે, આસોપાલવ નહીં. આસોપાલવ પાસે કોઈ ફળની આશા રાખી શકાય નહીં. જેની કૂખ વંધ્ય છે તે સ્ત્રી પાસે સંતાનના જન્મની આશા રાખવી અર્થહીન છે.

જો તમે બધા પાસે મદદ માટે પોકાર કરતા રહો તો એનું પરિણામ વિપરીત જ આવે. દસ-બાર વર્ષના એક છોકરાની વાત કરીએ. છોકરા પાસે જે પેન્ટ હતું તેની લંબાઈ વધુ હતી એટલે પહેરવું ફાવતું નહોતું. તેણે મમ્મીને વાત કરી કે પેન્ટને નીચેના ભાગેથી પાંચ ઈંચ કાપી આપે. મમ્મીએ કહ્યું કે સાંજ થઈ ગઈ છે, હવે કાલે વાત. છોકરાએ મોટી બહેનને મદદ કરવા કહ્યું. બહેને પણ મમ્મી જેવો જ જવાબ આપ્યો કે પછી કરી આપીશ. પપ્પા પોતાના કામકાજ પરથી મોડી સાંજે ઘરે આવ્યા ત્યારે છોકરાએ પપ્પાને પણ કહ્યું તો પપ્પાએ પણ બીજા દિવસે સવારનું પ્રૉમિસ આપ્યું. છોકરો હતાશ થઈને વહેલો સૂઈ ગયો.

કામકાજથી પરવાર્યા પછી માને થયું કે દીકરાનું પેન્ટ સરખું કરી આપવું જોઈએ. માએ દીકરાએ બતાવેલું પેન્ટ પાંચ ઈંચ કાપીને સિલાઈ વ્યવસ્થિત કરીને વૉર્ડરૉબમાં મૂકી દીધું. થોડી વાર પછી છોકરાના બેડરૂમમાં બહેન આવી. તેણે ભાઈએ બતાવ્યું હતું એ પેન્ટ પાંચ ઈંચ કાપીને સરખું કરીને પાછું મૂકી દીધું. મોડેથી છોકરાના પપ્પા તેના બેડરૂમમાં આવ્યા અને વૉર્ડરૉબમાંથી દીકરાએ બતાવેલું પેન્ટ બહાર કાઢ્યું, પાંચ ઈંચ કાપ્યું અને સ્ટિચીસ્ ફિનિશિંગ કરીને પાછું મૂકી દીધું. સવારે જાગીને જ્યારે છોકરાએ પોતાનું પેન્ટ જોયું તો તેના આશ્ચર્યનો પાર ના રહ્યો. પેન્ટ હવે હાફ-પેન્ટ બની ગયું હતું. એક જ કામ માટે તેણે ત્રણ જણા પાસે માગેલી મદદનું પરિણામ નજર સામે હતું. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ.

એક દૃશ્યની કલ્પના કરો કે આકાશમાં પારેવું ઊડી રહ્યું છે, તેની ઉપર સમડી તરાપ મારવાની તૈયારીમાં જ છે. નીચે જમીન ઉપર એક પારધી સમડી ઉપર તીરનું નિશાન લગાવીને ઉભો છે. પારધીના પગ પાસે જ ફેણ ચડાવીને નાગ દંશ મારવા ટાંપીને જ બેઠો છે. નાગને શિકાર બનાવવા નોળિયો પણ તૈયાર જ છે. હવે પારેવું મરશે કે બચશે?“હા” કે “ના”માં જવાબ જોઈએ. જો આમ બને તો… એવું નહીં. “જો” અને “તો”નો આ ખેલ નથી. સવાલનો સીધો જવાબ એ છે કે કોને મારવા અને કોને તારવા, એ બધું ઈશ્વર અથવા કુદરતના હાથમાં છે. બધા કાર્ય આપણા હાથની વાત હોતા નથી, એમાં ક્યારેક ઈશ્વરનો ચમત્કાર પણ ભળતો હોય છે. જેને આપણે નસીબ કહી શકીએ. બધું કાર્ય નસીબના આધારે છોડી શકાય નહીં, તો ક્યારેક નસીબના ભરોસે પણ બેસવાની એક અલગ મજા હોય છે.

કોઈ એક જ વ્યક્તિ પાસે તમે કદાચ મદદની આશા રાખી શકો, જો એ વ્યક્તિ તમને મદદ કરશે એમ તમને લાગતું હોય તો જ આવી આશા રાખી શકાય. અન્યથા ઘણા બધા લોકો પાસે તમે તમારી સમસ્યા રજુ કરી હોય તો મોટા ભાગે એ લોકો માટે તમે એક તમાશો જ બની રહો છો. લોકોને મનોરંજન ગમતું હોય છે, મદદરુપ થવું નહીં. જ્યારે બધા પાસે મદદનો હાથ લંબાવ્યો હોય ત્યારે બધા પૈકી કોઈ એક જણ પણ મદદ કરવા નજીક આવતું નથી. રોડ ઉપર વાહન અકસ્માતના બનાવો નજરે જોવાનું ક્યારેક બનતું હોય છે. તમે યાદ કરો કે આવા સમયે ટોળામાંથી એક જ માણસ મદદ માટે આગળ આવતો હોય છે. બાકીના લોકો માત્ર તમાશો જ જોઈ રહ્યા હોય છે. આ છે રિયાલિટી ઑફ લાઈફ.

જસ્ટ ટ્વીટઃ-
“એક સાધે, સબ સધે,
સબ સાધે, સબ જાય.”

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here