શું હું ‘પાગલ’ છું..?

“ઓકે જાનુ… લવ યુ… સી યુ એટ નાઈટ…” લેપટોપની ટચસ્ક્રીન પર મેં એક લાંબી ડિજિટલ કીસ કરીને વેબ-કેમ ‘ઓફ’ કર્યો અને શટ-ડાઉન કર્યું.

મારી આ ચેષ્ટા જોઈને મારી આસિસ્ટન્ટ મિસ સોનિયા શરમાઈ ગઈ. સફેદ યુનિફોર્મની બહાર ડોકાતાં એનાં ગોરા ચહેરા પર ઊપસેલા ગાલ ગુલાબી રંગે રંગાઈ ગયા. હોઠ મલકું મલકું થઈ ઊઠ્યા. જાડા કાચના ચશ્મા નીચે મેં એની માંજરી આંખો પર પાંપણો ઢળેલી જોઈ. હું એ વિચારવા મજબૂર થઈ ગયો કે, ‘આ નર્સ સોનિયા વધારે શરમાળ છે કે મારી જાનુ..?’

પરંતુ, અત્યારે એ ભાંજગડમાં પડવા કરતા મેં એ.સી. કેબિનમાં વ્યાપેલી ટાઢકને માણવાનો નિર્ધાર કર્યો. હું રુઆબથી રિવોલ્વીંગ ચેરમાં પોતાની પીઠ ટેકવીને બેઠો. કાચના ભવ્ય રાઉન્ડ ટેબલ પર બંને પગ લંબાવ્યા. આખી કેબિનનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. મારી નજર કોમ્પ્યુટર ડેસ્ક પર પડેલી નામની તકતી પર ગઈ. ‘ડો. મંથન મલ્હોત્રા’ નામમાં રહેલી ‘ડૉક્ટર’ની પદવી જોઈને મારી છાતી ગજગજ ફૂલી રહી.

મેં યાદ કર્યું… લગભગ બે વર્ષ જેવા થવા આવ્યા હશે મને અહીં આવ્યે. રિવોલ્વીંગ ચેરની બરાબર સામેની દીવાલમાં જડેલા મહાકાય આયનામાં મેં મારી જાતને નિહાળી. સફેદ લાંબો કોટ મારા શરીર ઉપર ખૂબ શોભી રહ્યો હતો. નાનપણથી જ મને ડૉક્ટર બનવાની ઘેલછા હતી. હા, એ વાત અલગ છે કે પાગલોના ડૉક્ટર થવાનું સ્વપ્ન ક્યારેય નહીં સેવેલું. પરંતુ, પરિસ્થિતિ મને અહીં ખેંચી લાવી હતી.  હું વધુ પડતો વિહ્વળ બનું એ પહેલાં જ…

“છોડો… અરે છોડો મને…” કેબિનની બહારથી કોઈકનો ઘાંટો સંભળાયો.

મારી અને મિસ સોનિયાની પ્રશ્નસૂચક નજર એકબીજા સાથે ટકરાઈ. જો કે આવી બૂમાબૂમ કે ઘાંટાઘાંટ આ હોસ્પિટલમાં કોઈ નવી બાબત તો હતી નહીં.

“ઉંહ.. ઓહ.. હટ.. ચાલ દૂર ભાગ..” જેવા અવાજ અને બૂમરાણ બહાર પરિસરમાં તીવ્ર બની રહ્યા હતા, ધમપછાડા વધી રહ્યા હતા. આખરે પરિસ્થિતિ કાબૂમાં લાવવા હું અને મિસ સોનિયા કેબિનની બહાર દોડ્યાં. પરિસરનું દ્રશ્ય આમ તો સામાન્ય જ જણાયું. આવા નાટકો અહીં રોજ જ ભજવાતા. હોસ્પિટલરૂપી સ્ટેજ એક જ રહેતું, વાર્તાની થીમ પણ એક જ રહેતી, માત્ર કલાકારો બદલાતા રહેતા. અત્યારે પણ કંઈક એવું જ બની રહ્યું હતું.

મેં જોયું કે મારા એક ડૉક્ટર-મિત્ર એની બે આસિસ્ટન્ટ નર્સોની સહાયતાથી કોઈકને અંકુશમાં લાવવાના પ્રયાસો કરી રહ્યા હતા. મેં અનુમાન્યું કે ચોક્કસ એ નવો એડમિટ થયેલો દર્દી જ હોવો જોઈએ. એ આગંતુક દર્દી મૂંઝાયેલો લાગતો હતો, ગભરાયેલો લાગતો હતો. ત્રણેયની પકડમાંથી છૂટવાની એ નિષ્ફળ કોશિશ કરી રહ્યો હતો. અચાનક એની નજર મારી સાથે ટકરાતા, એ મહામહેનતે પોતાની જાતને છોડાવી મારા તરફ ધસ્યો. હું ચોંક્યો. મને ઉદ્દેશીને એ રુઆબભેર બોલ્યો, “ડૉક્ટર તો હું છું.. આ લોકો મને નાહકનો હેરાન કરે છે…”

મેં સ્વસ્થતાથી જરાયે વિચલિત થયા વગર ઉદગાર કાઢ્યો, “ઓહ્હો… ઓકે ઓકે… ડૉક્ટર સાહેબ, શાંત થાઓ..”

પરંતુ, એ આગંતુકને તો મારી શાંતચિત્તતામાં બિલકુલ રસ ન હોય એમ મારા ગળામાં લટકતા ‘આઈ-કાર્ડ’ પર નજર નાખી… ને પોતાને સાચો સાબિત કરવા માટે ફરીથી સવાલ કર્યો, “ડો. મંથન, શું હું ‘પાગલ’ છું..?”

એ એકદમ ધૂંધવાયેલો જણાતો હતો. હું સમજી શકતો હતો કે આજે અહીં એનો પ્રથમ દિવસ હતો. એનો પરિવાર એને અમારે માટે છોડી ગયો હશે.

“અરે, નહીં નહીં… તમે બિલકુલ પાગલ નથી…” હું ત્રાંસા હોઠ કરીને, મોઢું ફેરવીને મૂછમાં મલકાયો. મનોમન બબડ્યો, “કયો પાગલ પોતાને ‘પાગલ’ ગણે છે ?”

મને આવી પરિસ્થિતિમાંયે મજાક સૂઝી રહી હતી. મારા શબ્દો મોઢામાંથી બહાર ન નીકળ્યા, માત્ર જીભનાં ટેરવે રમી રહ્યા હતા… “ના મારા ભાઈ ના… તમે તથા તમારા જેવા અન્ય ભાઈઓ-બહેનો તો આ ધર્મશાળામાં આશ્રય લઈ રહ્યા છો.. પાગલ તો અમે છીએ કે જે અહીં તમારા જેવા બુદ્ધિજીવીઓ વચ્ચે પીસાઈ રહ્યા છીએ.”

શબ્દોને ગળી જઈ, એક પણ હરફ ઉચ્ચાર્યા વગર મેં મારા ડૉક્ટર-મિત્ર તરફ જોયું. એક આંખ મીચકારી અને સ્થિતિને થાળે પાડવાનો ઈશારો કર્યો.

મારા મિત્રએ તથા બંને નર્સોએ ચૂપચાપ પાછળથી આવીને એ નવા આગંતુકને ફરી એકવાર ઝડપી લીધો. હવે હું અને મિસ સોનિયા પણ એમને સહાયતા કરતા હોઈ એમ પેલા દર્દીને ઊંચકીને પલંગ પર લઈ ગયા. એણે હવે ધમપછાડા શરૂ કર્યા હતા. ચીસાચીસ અને બૂમાબૂમથી વાતાવરણ તોફાની બની રહ્યું હતું. વધતે-ઓછે અંશે અંકુશમાં આવી રહેલા આસપાસના અમુક અર્ધ-પાગલ દર્દીઓ પણ હેબતાઈ ઊઠયાં. આવા કાબૂ બહાર જઈ રહેલા દર્દીઓ માટે મારા અનુભવ મુજબ હવે ‘ઈલેક્ટ્રિક-શોક’ જ ઉચિત ઈલાજ હતો.

અમે એના મોઢામાં કપડું ઠૂંસી દીધું. પછી એના હાથ-પગ બાંધવાની તજવીજ કરી રહ્યા હતા. અમે બે ડૉકટરો અને ત્રણ નર્સો મળીને કુલ પાંચ જણ હોવાં છતાંયે અમારાથી એ કોઈ રીતે બદતો નહોતો. અચાનક એ છટક્યો, ને ફરી ભાગ્યો. એક ટેબલ પર મૂકેલી કાતર પર એની નજર પડી. એ વીજળીવેગે એની પર ત્રાટક્યો. હવે એ પાગલ આગંતુક પોતાના ખૂંખાર મિજાજમાં આવી રહ્યો હતો. એણે અમારી તરફ કાતર એવી રીતે ગોળ-ગોળ ઘૂમાવી, જાણે હમણાં જ અમારા ગળામાં ઘોંચી દેશે. પરિસ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી હતી. પરંતુ, મારો મિત્ર કાબેલ નીકળ્યો. લપકીને એણે પેલા આગંતુક દર્દીને ખેંચી કાઢ્યો, ને નીચે આડો પાડી દીધો. મારી તરફ જોઈને ઘાંટો પાડ્યો, “ડૉક્ટર મંથન… લાગે છે ‘ઈલેક્ટ્રિક-શોક’ પણ કામ નહીં આપે… આનું દિમાગ જ ખોલવું પડશે હવે..!”

મારી આંખો ઝીણી થઈ. મેં આજુબાજુ નજર ફેલાવી. હું કોઈક ઓજાર શોધી રહ્યો હતો. અમે બધાંએ ભેગાં મળીને પેલાને પાધરો સૂવડાવી, હાથ-પગ કસીને પલંગ સાથે બાંધી દીધા.

અમારા પાંચેય જણની નજર લગભગ વારાફરતી ઓરડામાં ચકળવકળ ફરી રહી હતી. એટલામાં મને દૂર ખૂણામાં અમુક ઓજારો દેખાયાં. હું એ તરફ આગળ વધ્યો. મેં એક ભારે-ભરખમ ડ્રીલ-મશીન ઊઠાવ્યું. મારા અન્ય ચારેય મિત્રો પણ આગળ વધીને વારાફરતી કરવત, હથોડી, પક્કડ – જેને જે હાથ લાગ્યું એ ઊઠાવતા ગયા.

અમે હવે કોઈ પણ સંજોગોમાં પેલા પાગલનું દિમાગ ઊઘાડીને એને ઠેકાણે પાડવાનો મનસૂબો ઘડી જ લીધો હતો. અમે પાંચેય જણ હવે અમારા અસલ મિજાજમાં આવી ચૂક્યાં હતાં. પેલાના ગળા પર કરવત ફરવાની તૈયારી હતી. પક્કડથી એના આંતરડા ખેંચાવાની બસ થોડી જ ક્ષણ બાકી હતી. મારા ચારેય મિત્રો પોતપોતાની કામગીરી બજાવવા માટે મારા આદેશની રાહ જોઈ રહ્યા હતા. હું ડ્રીલ-મશીનની ધણધણાટી બોલાવતો એ આગંતુક પાગલ તરફ વધ્યો. ચકરાવે ફરતો અણિયાળો, આંટાવાળો ડ્રીલ-મશીનનો જાડો-લાંબો સોયો એના કપાળ પર ટેકવીને દિમાગમાં કાણું પાડવા માટે મેં જેવો હાથ ઊપાડ્યો જ, ત્યાં તો…

મારા કાન નીચે લેસર-ગનના ઈલેક્ટ્રિક-શોકનો જોરદાર ઝાટકો લાગ્યો. હું તમ્મર ખાઈ ગયો. મારા હાથમાંથી ડ્રીલ-મશીન છટકીને ફર્શ પર પડ્યું. આંખોનાં અંધારા વચ્ચે મેં જોયું કે મારા ચારેય મિત્રો પણ વારાફરતી લેસર-ગનના ઈલેક્ટ્રિક-શોકથી જમીન પર ઢળી રહ્યા હતા, એમના ઓજારો હાથમાંથી છૂટી રહ્યા હતા.

મેં પાછળ ફરીને જોયું તો જણાયું કે… બે-ત્રણ ડૉક્ટરો સાથે સિક્યુરિટી ગાર્ડ્સ પણ આવી પહોંચ્યા હતા. એમણે અમને પાંચેયને દબોચી લીધા. એક ડૉકટરે દોડીને પેલા આગંતુકના હાથ-પગ છોડ્યા, ને મોઢામાંથી કપડાંના ડૂચા કાઢ્યા. એની માફી માગતા એ દરેક જણ બોલી ઊઠ્યા, “અરે અરે માફ કરજો ડો. પાર્થ… અમારી થોડી ગફલતથી આપ આ બધા પાગલોના સકંજામાં સપડાયા…”

હોસ્પિટલનાં ચીફ ડૉક્ટર મંથન મલ્હોત્રા અમારા તરફ ઈશારો કરીને ધૂંધવાતા ચહેરે એની આસિસ્ટન્ટને આદેશ આપતા બરાડી ઊઠ્યા, “મિસ સોનિયા, આ પાંચેય પાગલો પાસેથી આપણા યુનિફોર્મ અને આઈ-કાર્ડ ઊતરાવી લો… ક્વિક…”

અને ખાસ મારી સામે ઘૂરકતા બોલ્યા, “સાલો પાગલ… પોતાની જાતને ડૉ. મંથન સમઝે છે…”

પછી…

અમને પાંચેય જણને ફરીથી એ જ લીલા રંગના રોજના યુનિફોર્મ પહેરાવી દેવાયા, ને ‘ઈલેક્ટ્રિક-શોક’ આપવા માટેની તૈયારી થવા લાગી.

ફરી એક વખત ડૉક્ટર બનવાની અમારી બધાની નાનપણની ઘેલછા પર બ્રેક લાગી ગઈ.

પણ અમે કંઈ ‘પાગલ’ છીએ કે એમ હિંમત હારી જઈએ ? જ્યારે પણ ફરી મોકો મળશે, આમ જ ડૉક્ટર બનતા રહીશું !

*સમાપ્ત*
——————-
ધર્મેશ ગાંધી (DG)
dharm.gandhi@gmail.com

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here