“કસુંબો”

બહુચરાજી પાસે આવેલ હાંસલપુર ખાતે સુઝુકી પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે, તે ધરા પર આશરે ૯૦ વર્ષ પહેલાં બનેલી આ સત્ય ઘટના છે.

એ દિવસોમાં રૂપેણ કાંઠા સુધીનાં રાધનપુર નવાબના તાબાનાં ગામો પાર કરી ગાયકવાડી સરકારની હદમાં અફીણનો વેપાર ખાનગીમાં થતો, તેથી કચ્છમાંથી અફીણના વેપારીઓ ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં અફીણના બંધાણીઓને રાતના અંધારામાં ખેપ કરી અફીણ પહોંચાડવાનું કામ કરતા. ગામના બંધાણીની ડેલીઓ કસુંબાપાણીથી કાયમ ગૂંજતી રહેતી.

દિવાળીના દિવસો હતા. જેણે હજુ પોતાની જિંદગીની ચાલીસી વટાવી નથી, એવા કચ્છના ઘોડેસવાર અભેસંગ જાડેજાએ આરતી ટાણે હાંસલપુરના વજુભાની ડેલીની સાંકળ ખખડાવી.
થોડીવારમાં એક યુવાન રજપુતાણીએ છાતી સુધી ઘૂમટો તાણી ડેલીનાં બારણાં ખોલ્યાં. અભેસંગે ઘોડી ડેલીમાં લઈ ગમાણે બાંધી. વજુભાની ઘોડી ના દેખાઈ એટલે ઘૂમટા ઓથે પોતાનું સૌંદર્ય છૂપાવીને ઊભેલી રજપુતાણીને અભેસંગે પૂછ્યું: ‘બહેન, વજુભા ઘરે નથી?’ રજપુતાણીનું પીયર કચ્છમાં હતું, એટલે અભેસંગ એમને કાયમ બહેન કહીને જ બોલાવતો.

જવાબમાં, આણું વળવા ઉત્સુક કોડભરી કન્યાના પગની ઝાંઝરીના ઝણકાર સમો ઘૂમટામાંથી અવાજ સર્યો: ‘એ સવારના રૂદાતલ ગયા છે, તમે ચા પાણી કરશો એટલામાં આવી પહોંચશે.’ એમ કહીને રજપુતાણી પાણી આપીને રસોડામાં ગઈ.

રજપુતાણી ચા લઈને આવી ત્યાં સુધીમાં તો આખો દિવસ ગામેગામ અફીણની ડિલિવરી પહોંચાડીને થાકેલા અભેસંગની આંખો ઘેરાવા લાગી હતી! ચા પીધા પછી વળી પાછું અભેસંગે પૂછ્યું : ‘બહેન, વજુભા આજે ના આવવાના હોય તો, આ અડધો શેર અફીણ મૂકતો જાઉં છું, નવા વરસમાં ફરી આવીશ એટલે વધારે લેતો આવીશ.’ – એમ કહી ઢોલિયામાંથી ઊભા થતા અભેસંગને રજપુતાણીએ રોક્યો: ‘તમારા ભાઈ રોંઢા ટાણે પાછા આવવાનું કહીને ગયા છે, કોઈ કારણસર મોડું થયું હશે, પણ હવે આવતા જ હશે. તમે આરામ કરો.’ એમ કહી રજપુતાણી રસોડામાં ગઈ ને ડેલીમાં ઢાળેલા ઢોલિયે અભેસંગ આડા પડખે થયો ને થોડીવારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યો!

અચાનક સિતારના તારમાંથી મધુરી સુરાવલિ વહે તેવા મીઠા સાદે અભેસંગની આંખો ખુલી! રાતના નવ વાગતાંમાં તો ખોબા જેવડા હાંસલપુર ગામમાં સોપો પડી ગયો હતો. સીમમાં દૂર શિયાળવાંની લારી સંભળાતી હતી. અભેસંગની સામે રજપુતાણી હાથ ધોવડાવવા પાણીનો લોટો લઈને ઊભી હતી! અચાનક તંદ્રામાંથી બહાર આવેલો અભેસંગ કંઈ બોલે તે પહેલાં રજપુતાણીએ કહ્યું : ‘તમારા ભાઈ તો હજુય ના આવ્યા. તે કોઈ કામસર રોકાઈ ગયા લાગે છે, તમે વાળુ કરીને નિરાંતે સુઈ જાવ.’

જેનો પતિ બહારગામ ગયો છે, એવી ભરયુવાન નછોરવી રજપુતાણી સાથે બંધ ડેલીમાં રાત ગાળવાથી પોતાના માથે આળ આવશે તો- એવા અગમ્ય ભયને કારણે અભેસંગ થોડુક જમીને હાથ ધોઈ ઊભો થઈ ગયો! તે ડેલીમાં ઢાળેલા ઢોલિયામાં બેસી વિચારવા લાગ્યો: ‘અજાણી ભોમકામાં પોતાની પાસેના જોખમને લઈને આટલી મોડી રાતે ખેપ કરવામાં પણ જાનનું જોખમ છે….’
અભેસંગની આંખ ક્યારે મિંચાઈ તેની ખબર ન પડી. પરોઢનો કૂકડો બોલ્યો ને અભેસંગની આંખ ખુલી.

ભેંસ દોહીને આવેલી રજપુતાણીએ ઢોલિયા પાસે દાતણ ને પાણીનો લોટો મૂક્યો ને રસોડામાં જઈ શિરામણના રોટલા ઘડવા બેઠી.

સૂરજનાં કિરણોએ ધરતી પર પ્રકાશ પાથરવાનું શરૂ કર્યું ત્યાં તો રજપુતાણીએ અભેસંગને શિરામણ કરવા બેસાડ્યો.

અભેસંગે શિરામણ કરી હાથ ધોતાં કહ્યું, ‘વજુભાને કોઇ કારણસર રોકાવું પડ્યું હશે, પણ એમને કહેજો કે ફરી આવું ત્યારે અફીણનો હિસાબ કરીશું.’

ઘોડી પર સામાન ચડાવી, ‘જય માતાજી’ કહી અભેસંગે રજપુતાણીની વિદાય લીધી.

અભેસંગ હજુ ગામ બહાર જ નીકળ્યો હશે ને વજુભાએ ગામમાં પ્રવેશ કર્યો. વજુભા ડેલીએ પહોંચે ત્યાં સુધીમાં તો, ‘તમારી ડેલીએ તો આજ કો’ક ફૂટડો જુવાન રાત રોકાણો’તો!… રજપુતાણીએ એને ખુબ હોંશથી તાણ કરી કરીને જમાડ્યો ને આખી રાત…..’ બે ચાર મંથરાએ વજુભાના કાનમાં ઝેર રેડી દીધું!

વજુભાના મનમાં વિચારોનાં વમળ ઉમટ્યાં. ધૂંવાફૂંવા થતાં ઘોડાને ગમાણ પાસે છોડી ફળિયામાં પહોંચ્યા ત્યાં રજપુતાણી પાણીનો લોટો ભરી સામે આવી. તેણે કહ્યું, ‘કચ્છમાંથી અભેસંગ અફીણ આપવા આવ્યા હતા, તમારી રાહ જોઈ અબઘડી જ નીકળ્યા.’

વજુભાને ગામની સ્ત્રીઓએ કરેલી કાનભંભેરણીએ નકારાત્મક વિચારે ચડાવ્યો ને કશાક નિર્ણય સાથે એણે રજપુતાણીને કહ્યું,’ અભેસંગ આખી રાત રોકાયા ને મારી રાહ જોવા પણ ન રહ્યા! લાવો, પાણીની મશક ભરી આપો, મોંઘેરા મહેમાનને કસુંબાપાણી કરાવ્યા વિના જવા દેવાય!’

વજુભાના ચહેરાના બદલાએલા ભાવ રજપુતાણીથી અછાના ન રહ્યા. પોતાના પરણ્યાની આંખમાં ઘૂમરાવા લેતાં વહેમનાં વમળને પારખી ગયેલી રજપુતાણીએ વજુભાને પાણીની મશક આપી. વજુભાએ ગામની આથમણી દિશાએ ઘોડો દોડાવી મૂક્યો.

અગમનાં એંધાણ પારખી ગયેલી રજપુતાણીએ પોતાની કટાર કેડે ખોસી ને પાછળના વાડામાંથી નીકળી ખારી ધરતી પર ઝડપથી પતિની દિશા તરફ પગલાં માંડ્યાં.

શંકાના હિમાલય તળે દબાએલા-કચડાએલા વજુભાએ ધૂળની ડમરીઓ ઉડાડતા જતા અભેસંગને સાદ દીધો: ‘અરે મોંઘેરા મહેમાન, અભેસંગ બાપુ! આમ દિવાળીના સપરમે દહાડે કસુંબાપાણી લીધા વગર જાઓ તો ચુંવાળની ધરતી લાજે! ઊભા રો’, આપણે અહીં જ કસુંબાપાણી કરીએ.’

ને હાલના સુઝુકી પ્રોજેક્ટના ઉત્તર દિશાની સરહદ પાસેના ખારા પટમાં બેસી દિવાળીની સવારમાં બેય રજપૂતો કસુંબો લેવા બેઠા. વજુભાએ કસુંબો તૈયાર કર્યો. ‘આજે દિવાળીના તહેવારે મારા હાથનો કસુંબો લીધા વગર જાઓ તો મારી આબરૂ નું શું!’ – એમ કહેતાં બે ધોબા કસુંબો અભેસંગને પીવડાવી દીધો!

કંઈક અણસાર આવી જતાં અભેસંગની જાતવાન ઘોડી પોતાના માલિકને ચેતવવા હણહણાટી સાથે પાછી પડી. પોતાની ઘોડીની લગામ પકડવા અભેસંગ પાછળ ફર્યો, આ તકનો લાભ લઈ વજુભાએ પોતાની તલવારથી અભેસંગ પર જનોઈવાઢ ઘા કર્યો. ઉપરાઉપરી ઘા થતાં અભેસંગનો દેહ લોહીના ખાબોચિયામાં તરફડી રહ્યો!

એટલામાં જ રજપુતાણી ત્યાં આવી પહોંચી. વજુભા પર ખુન્નસ સવાર થયેલું હતું, એણે રજપુતાણીને પણ તલવાર વડે વેતરી નાખી. અભેસંગની ઘોડી તો માલિક પર થયેલા જીવલેણ હુમલા પછી તરત કચ્છની દિશા તરફ દોડી. એ ઘોડીને જાણે પાંખો આવી હતી! પૂરપાટ દોડતી ઘોડી ૪૦૦ કિ. મી. નું અંતર કાપી સાંજે માલિકના ઘેર પહોંચી. અભેસંગના નાના ભાઈ મદારસંગે ઘોડીને એકલી આવેલી જોઈ, પોતાના ભાઈ સાથે કંઈક અજુગતું બન્યાની ગંધ આવી ને તલવાર કેડે બાંધી આવેલી ઘોડી પર મદારસંગ સવાર થયો. ઘોડી પૂરપાટ ઝડપે પાછી વળી!

બેસતા વરસના પરોઢે ઘોડી હાંસલપુરના પાદરમાં બનાવવાળા સ્થળે આવી પહોંચી. પરસેવે રેબઝેબ ઘોડીએ મદારસંગને અભેસંગની લાશના ટુકડાઓ પાસે ઉતારી પોતાના પ્રાણ છોડ્યા!

મદારસંગે પોતાના ભાઈના મૃતદેહના ટુકડાઓ ભેગા કરી, અભેસંગ અને ઘોડીના અગ્નિસંસ્કાર કર્યા.
આજે પણ સુઝુકી પ્રોજેક્ટની ઉત્તર સરહદે અભેસંગના અણીશુદ્ધ ચારિત્ર્ય અને ઘોડીની પોતાના સ્વામી પ્રત્યેની વફાદારીની પાવન ગાથા કહેતા બે નાના પાળિયા ઊભા છે. દર બેસતા વરસની પરોઢે અભેસંગના વંશજો આવી પાળિયાને સિંદૂર ચડાવી પોતાના દિવંગત પૂર્વજની પૂજા કરે છે.

લેખક : દશરથ પંચાલ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here