ફુવા

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના પોરડા ગામે 6 દાયકા વીતાવી ચૂકેલું દંપતી જુના પુરાણા માટીના મકાનમાં અમદાવાદ છોડી રહેવા આવ્યું છે- એ વાતે ગામના મંદિરના ઓટલે ચલમ ફૂંકતા વડીલોના ભારે કૌતુક જમાવ્યું છે. રામજી પટેલે કહ્યું, ” કો ના કો પણ કાં તો દેવું થયું હોય કાં તો છોકરાંએ કાઢી મૂક્યા હોય! ”

ભગા મુખી કહે, ” આ તો ગાડી પણ રાખે છે, એટલે દેવું નૈ થયું હોય પણ છોકરા હંઘરતા નૈ હોય! ” આખો દા’ડો ખૂ..ખૂ..કરતા ચલમ ફૂંકતા આ લોકોને એક વિષય મળી ગયો હતો.

પણ વાત કંઇક જુદી હતી. આ ગામ એમનું મોસાળ હતું. બાળપણમાં ગામની શેરીઓમાં ધૂળધોયા થઈ તળાવમાં નાહેલા, ખેતરોમાં રખડી ચણીબોર ખાધેલા – એ ધરતીને ખોળે નિવૃત્તિની પળો ગાળી, બાળપણનાં સંભારણાં તાજાં કરવાની ભાવનાથી, વર્ષોથી ખાલી પડેલા માટીના ખોરડાને જીવતું કરવાના ઉદ્દેશ્ય સાથે આ ગામને એમણે પસંદ કરેલું.
એક વખત શાળા છૂટી એટલે દફતર લઇ ઘેર જતા એક છોકરાને એમણે રોક્યો અને પોતાના નિવાસ લેશન કરવા બેસાડ્યો. એને લેશન કરાવતાં ખબર પડી કે ઘણાં છોકરાંઓ અભ્યાસમાં કાચાં છે.

બીજા દિવસે બે, પછી ચાર, આઠ એમ કરતાં રોજ ચાલીસેક છોકરા-છોકરીઓ એમના ઘરના નાનકડા ફળિયામાં લેશન કરવા આવવા લાગ્યાં. બાળકો એમને ‘સાહેબ’ કહે તો એમને ગમતું નહીં. એમાં એક છોકરીના મોંમાંથી અનાયાસે જ ‘ફુવા’ સંબોધન થઈ ગયું. બસ, પછી તો આખા ગામમાં આ દંપતી ફઈ-ફુવાથી ઓળખાવા લાગેલું!

ફુવા કોઇ કામસર બહારગામ ગયા હોય અને બે-ચાર દિવસે પાછા આવે ત્યારે એકાદ છોકરૂં ફુવાની ગાડી આવતાં જોઈ ગયું હોય તો તરત આખા ગામમાં ખબર પડી જાય કે, ફુવા આવ્યા!

ગામની ઘણી સ્ત્રીઓ તળાવે કપડાં-વાસણ ધોતી ચર્ચા કરતી: ” આ ફુવા કોણ છે? અમારા છોકરાંને એમના સગા ફુવા આવે તો ય આટલો હરખ થતો નથી!”

આ ફુવા બીજાથી અલગ હતા. તે બાળકોને બાળક જેવા થઈ ભણાવતા. અનેક વાતો દ્વારા એમનામાં સંસ્કારસિંચન કરતા રહેતા. ફુવાને ક્યારેક શાળા પાસેથી પસાર થતાં એકાદ બાળક જોઇ લે તો, શિક્ષકની સજાની પરવા કર્યા વિના ‘ફુવા.. ફુવા…’ ની હરખની હેલી ચડે ને બાળકો ફુવાને શાળામાં આવવા મજબૂર કરે!!

એક દિવસ શાળાના આચાર્ય અને એક ઉપલાં ધોરણમાં અંગ્રેજી ભણાવતા શિક્ષક શાળાના કામ અંગે સુરેન્દ્રનગર ગયેલા. પાછાં વળતાં એમનો ભયાનક અકસ્માત થયો. બંનેમાં હાથ, પગ, છાતીની પાંસળીઓ અને જડબાં તુટી ગયાં હતાં. તરત એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બંનેને ત્રણ માસ પથારીમાં રહેવું પડે, એવી ઈજાઓ થઈ હતી. ફુવાને આ બાબતની જાણ થતાં જ અમદાવાદ જઇ આર્થિક મદદની હુંફ આપતાં કહ્યું, ” બાળકોના અભ્યાસની ચિંતા ન કરશો. હું આવતી કાલથી આખો દિવસ શાળામાં જઇને ઉપલાં ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ભણાવીશ. ”

બીજા દિવસથી ફુવા સવારે સાડા દસ વાગે શાળામાં હાજર. બપોરની રિશેષમાં બધાં બાળકો મધ્યાહન ભોજન અંતર્ગત શાળાની પરશાળમાં જમવા બેસે. બાળકો ફુવા પોતાની થાળીમાંથી એક કોળિયો જમે પછી જ જમવાનું ચાલુ કરે!
બાળકો ફુવા પાસે ભય વિના ભણે. કારણકે ફુવા કોઇને કદી પણ મારતા ન હતા! એટલે તો બધાં બાળકો, “ફુવા, અમારા વર્ગમાં ભણાવવા આવોને!” – એવો અધિકાર સાથેનો આગ્રહ કરતાં.

જાન્યુઆરી માસ ચાલતો હતો. ત્રણ મહિના પછી વાર્ષિક પરીક્ષાઓ આવતી હતી.

ફુવાએ એક પણ દિવસની રજા પાડ્યા વગર બાળકોને ભણાવ્યું. બાળકોને તો ફુવાને ભણાવવાની રીત ગમતી. તેઓ શિક્ષાના ડર વગર ભણતાં. સમય વહેતો હતો. ફુવા ને તો જાણે પોતાનું બાળપણ પાછું મળ્યું હતું. જોતજોતામાં ત્રણ મહિના પસાર થઈ ગયા. જે દિવસે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ તે દિવસથી ફુવાએ શાળામાં જવાનું બંધ કર્યું. પરીક્ષા અન્ય શિક્ષકોએ લીધી. પરિણામના દિવસે બંને શિક્ષકો વાૅકરની મદદથી ચાલતા શાળામાં આવ્યા.

વિદ્યાર્થીઓના પરિણામમાં નોંધપાત્ર પ્રગતિ જોઇ ખુબ ખુશ થયા ને ફુવાના ઘેર મળવા ગયા. બંને શિક્ષકોએ ફુવાને કહ્યું : ” આપે સતત ત્રણ માસ સુધી પૂરો સમય શાળામાં આવીને બાળકોને અભ્યાસ કરાવ્યો તે માટે અમે આપના કાયમ ઋણી રહીશું. અમારા બંનેના ત્રણ માસના અડધા પગારની રકમ આપ સ્વીકારો. ”

ફુવાએ એ રકમનો સાભાર અસ્વીકાર કર્યો અને કહ્યું, ” આપને થયેલ અકસ્માતને કારણે મને ત્રણ માસ સુધી સતત બાળકો સાથે રહેવાનું મળ્યું, એથી મને મારા બાળપણની યાદો તાજી થઈ છે. મને એનું મહેનતાણું મળી ગયું છે. ”
બંને શિક્ષકો તો એકાદ લાખ રૂપિયાની રકમ ઠુકરાવનાર ફુવાને વંદન રહ્યા!
દરેક ગામના વિદ્યાર્થીઓને આવા ફુવા મળે તો!!!

લેખક : દશરથ પંચાલ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here