પાયલ

ચંદ્રની લુકાછૂપી કેવી અદભૂત છે, તેની ચાંદની કેટલીક આહલાદીક હોય છે. વાદળો થી છવાયેલા આકાશમાં ક્યારેક ચંદ્ર જ છુપાઈ જાય છે તો ક્યારેક આકાશ જ વાદળોનાં આવરણ માં ડોકા કાઢે છે. ચંદ્ર તો જાણે પોતાની અદાઓથી લોકોને ઘાયલ કરતો જાય છે અને પ્રેમીઓ આવી કાતિલ રાતમાં મિલનના સ્વપનાઓ જોવા લાગે છે. મધુર મિલનની આશાઓ સજાવી, તારાઓની બારાત બની હોય તેમ પ્રેમિકા પોતાના પ્રિયતમની રાહ જુએ છે. નિશાની આવી નિખાલસ આભા આકાશમાં નિહાળતી પાયલ વાદળોની એ છાવણીમાં ચંદ્રને જોવા ઉત્સુક બનતી જાય છે. તેની આતુરતાનો હવે અંત આવી ગયો હોય તેમ તે અવિરતપણે ઘરના ઝરૂખેથી પોતાના બંને હાથ ફેલાવી, આંખો બંધ કરી, પોતાના પ્રેમીને બાહુપાશમાં લેવા તલપાપડ છે. આ પ્રેમ પણ ક્યારેક પ્રેમીઓ પર એવો તો જાદુ કરી દે છે કે બસ એક દુનિયા જે એના માટે જ ઇશ્વરે બનાવી હોય તેમ પ્રેમીઓની મસ્તીને પોશે છે. આવો અનુભવ તો શાયદ જે પ્રેમમાં પડે, જીવે, જાણે અને સમજે તે જ દુનિયા જીવી જાણે છે. આવું જ કઈ સ્વપ્ન પાયલ પોતાના માટે જોવે છે. સ્વપનાઓની દુનિયામાં ખોવાયેલી પાયલ અચાનક ફોનની રીંગ વાગતા ઝબકી જાય છે, અને દોડીને ફોન ઉપાડે છે,

“હેલો! નિસર્ગ.”
“પાયલ, શું કર છો?” – પાયલ કાઇ જવાબ આપે તે પહેલા જ નિસર્ગે કહ્યું “રાતની આ મસ્તી જોઈ તારી યાદ આવી ગઈ એટલે ફોન કર્યો.”

“હું પણ અત્યારે આ જ ચંદ્રની ચાંદનીને અનુભવી રહી હતી અને આંખો બંધ કરી પ્રેમનાં એક સ્પંદનમાં પહોચી ગઈ હતી.”

“અને તારું એ સ્પંદન મારા સુધી પહોચી ગયું. તને મળવાની ઇચ્છા છે. તને યાદ છે આપણી વચ્ચે પ્રેમ થયો તે પછી આપણે ફક્ત એક જ વાર મળ્યા છીએ.”

“મારે પણ મળવું છે અને ઘણીબધી વાતો પણ કરવી છે.” મનમાં વિચારી પાયલે કહ્યું “કાલે સાંજે પાંચ વાગ્યે તું તખ્તેશ્વર મંદિર આવી જાજે, હું ત્યાં તારી રાહ જોઈશ.” પાયલે ફોન મૂકી દીધો.
રાતની મધુર શીતલતામાં રાતરાણીનું વિશેષ મહત્વ હોય છે તેમ દરેક ઋતુની રાતોમાં, વાદળો થી ઢંકાયેલી, મંદ-મંદ વરસતા છાંટાથી ભીંજાયેલી રાતનું વિશેષ આકર્ષણ હોય છે. તે પ્રેમીઓની દુનિયા માટે સૌથી વધુ રોમાંચિત હોય છે. આ રોમાંચનો અનુભવ કરતી પાયલ સૂતી-સૂતી પોતાની આંખો હળવેથી બંધ કરી કાલની સાંજનો ઉત્સુક્તાથી ઇંતજાર કરવા લાગે છે.

• * * * *

પાયલ બેઠી-બેઠી ગઈ કાલ રાતના મધુર અહેસાસને નિસર્ગને કહેવા માટે તેની આતુરતાથી રાહ જોઈ રહી હતી ત્યાં જ નિસર્ગને જોતાં તેની આંખો ચમકી ઉઠે છે
“નિસર્ગ!”

“પાયલ!” નિસર્ગ પાયલનો હાથ પકડી બેંચ પર બેસવા માટે લઈ જાય છે. બેંચ પર બેસતા બેસતા નિસર્ગે કહ્યું “ બોલ તારે શું વાત કરવાની હતી.”

“વિચારું છુ ક્યાંથી શરૂઆત કરું.”

“તું બેધક કહે, હું તને સહજ જવાબ આપીશ.”

“ જેમ તું જાણે છે હું ગેજયુએટ છું અને તું માત્ર ૧૨ પાસ. મારી ફેમિલી પણ ગેજયુએટ છે એટલે તેઓ મારા માટે ભણેલો છોકરો ઇચ્છશે. હું એ નથી કહેતી કે મારા પિતાજી પ્રેમલગ્ન ને વિરુદ્ધ છે પણ તેઓ આપણાં પ્રેમનો સ્વીકાર કરશે. પરંતુ મારા પિતાજીની ઇચ્છા છે કે તેઓ મારા લગ્ન એક ગેજયુએટ, કામયાબ છોકરા સાથે કરાવે.”
“એટલે આપણાં લગ્ન સંભવ નથી?” – નિસર્ગ

“હું તને એ કહેવા માંગુ છું કે તું મારા પ્રેમ માટે જીવનમાં આગળ વધ, તું કામયાબ માણસ બની મારા પિતાજી પાસે હકથી મારો હાથ માંગ, દુનિયાની ભીડમાં તું નિડરતાથી આપણાં પ્રેમનો સ્વીકાર કર, અને આપણાં પ્રેમની નદીને એક પ્રવાહ આપ.”

“તું મને એક જાયદ મકામ દેવા માંગે છે, અને હું તને પ્રોમિસ કરું છું હું તે નિભાવીશ.” પાયલ અને નિસર્ગ એકબીજાની રજા લઈ ચાલ્યા જાય છે. પાયલ નિસર્ગને જતો જોઈ મનમાં કહે છે, “સૂર્યાસ્તની વેળાએ સંધ્યાની મોહક અદાથી સાંજ કેટલી મનમોહક લાગે છે. મારી જિંદગીનું મકસદ નિસર્ગને આગળ ઉચ્ચ શિખર પર લઈ જવાનું છે, જેની મેં આજે શરૂઆત કરી છે.”

• * * * *

પાયલ અને નિસર્ગ વચ્ચે મુલાકાત થયાને બે વર્ષ વીતી ગયા. આ દરમ્યાન તેઓએ માત્ર ફોનથી જ પોતાની લાગણી વ્યક્ત કરી. નિસર્ગ જે દિશામાં જઈ રહ્યો હતો તે જાણી પાયલ ખૂબ જ ખુશ હતી. નિસર્ગ ઇંજિનિંગ ક્ષેત્રે આગળ વધ્યો, એન્ટર ટેસ્ટમાં સારા માર્ક સાથે પાસ કરી મુંબઈ ભણવા ગયો. અને પાયલે તેની રાહમાં સર્વિસ શરૂ કરી. નિસર્ગ ધીમે-ધીમે આગળ વધી રહ્યો હતો પરંતુ આ બે વર્ષમાં પાયલની જિંદગીમાં ઘણા તુફાનો આવી ગયા હતા જે તેણે નિસર્ગને કહ્યા ન હતા. નિસર્ગનું બે વર્ષ બાદ ભાવનગર આવવાનું થયું. પાયલ અને નિસર્ગે મળવાનું નક્કી કર્યું.
પાયલ એ ક્ષણની કલ્પના કરી રહી હતી જ્યારે તે અને નિસર્ગ આમને-સામને હશે. નિસર્ગની ઉત્સુકતા, આકાંક્ષા, લાગણી, જુસ્સો, અને લગન તેના ચહેરા પર સ્પષ્ટ નજર આવતી હશે પણ તે મારા ચહેરાની રેખાઓ સારી રીતે સમજી શકે છે… તેઓ ફરી એ જ જગ્યા પર મળે છે.

“પાયલ! પાયલ! હું તને શું કહું, હું કેટલો ખુશ છુ, કેટલા સમય પછી આપણે મળ્યા. હું તને શું કહું, હું આજે ક્યાં પહોચી ગયો છું, મેં આ ભવિષ્યની કલ્પના જ નો’તી કરી. થેંક્યું, થેંક્યું. બસ હવે તારી સાથે જિંદંગી જીવવી છે.” નિસર્ગ એક શ્વાસે બધુ બોલી ગયો, અને અચાનક તે અટક્યો, તેનું ધ્યાન પાયલ તરફ ગયું, તેનો ઉદાસ ચહેરો જોઈ પ્રશ્ન કર્યો “શું થયું પાયલ?”

“મારા પિતાજી આપણી અલગ-અલગ જ્ઞાતિ ના કારણે આપણો સંબંધ નહિ સ્વીકારે.” તે એકીસાથે બોલી ગઈ અને તેની ધડકન તેજ થઈ ગઈ. નિસર્ગની તો જાણે પગ નીચે થી જમીન હટી ગઈ. પાયલે આગળ બોલવાનું શરૂ રાખ્યું.

“ બસ આટલી ઇચ્છા છે કે તું કઈક બને, આપણાં પ્રેમને કમજોર ના બનાવીશ.”
થોડો સ્વચ્છ થઈ તે બોલ્યો “હું તારું સ્વપ્ન પૂરું કરીશ,પ્રેમનો અર્થ જ સતત પ્રવાહિત રહેવું છે.” અને બંને છૂટા પડે છે.
નિસર્ગ ફરી મુંબઈ ચાલ્યો જાય છે. પાયલનાં કહેવાથી નિસર્ગ એક છોકરી પસંદ કરી સગાઈ માટે હા પાડી દે છે. અહી પાયલ ની તબિયત દિવસે દિવસે બગડતી જાય છે, ડોકટરોએ ઑપરેશન નું કહ્યું હતું અને આ જ કારણે તેને નિસર્ગ સામે ખોટું બોલવું પડ્યું. છેવટે તેના ઑપરેશન કરવાનું નક્કી થયું. થોડા સમય બાદ નિસર્ગનું ભાવનગર આવવાનું થાય છે અને તેને પાયલનાં ઓપરેશનની જાણ થાય છે, તે પાયલને મળે છે.

“એવું તે શું બન્યું કે તું મારી સામે આટલું ખોટું બોલી. અને મને નવી જિંદગી જીવવાનું કહ્યું.”
“ડોકટરોએ કહ્યું હતું કે મારી છાતી માં કઈક પ્રોબ્લેમ છે અને ઑપરેશન કરવું જરૂરી છે અને આ ઑપરેશન થશે તો એની ખાતરી નથી કે ભવિષ્યમાં મને સંતાન પ્રાપ્તિ થાય જ.”
“ મતલબ કે આ માટે જ મારાથી અલગ થવાનો નિર્ણય કર્યો, શું તને મારો પ્રેમ સ્વાર્થી લાગ્યો???”
“ પરંતુ હું તને જીંદગીભર એ સુખથી વંચિત રાખવા માંગતી ના હતી.”
“શું આપણો પ્રેમ સંતાન પ્રાપ્તિ થાય તો જ પુષ્ટ બને???”
“મેં આ તારા માટે નહીં પણ મારા માટે કર્યું છે. હવે એટલું જ કહું છું તારી જેની સાથે સગાઈ થઈ છે તેને તું એટલો જ પ્રેમ આપજે જે તું મને આપવાનો હતો.”
“પણ તું વચન આપ કે તું જીવનભર મારી દોસ્ત બનીને રહીશ.”
પ્રેમના જે પ્રવિત્ર સંબંધમાં ભલે નિસર્ગ અને પાયલ ના મળી શક્યા, પરંતુ બંનેનાં જીવનમાં દરેક સવાર નવા ફૂલોની સૌરભ લઈ ઉગે છે.

લેખિકા : માધવી આશરા

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here