ફેસબુકનો કીડો

આંખો ચોળતો ચોળતો એ જાગ્યો. લાગ્યું કે પેલા પોતાનું મો સાફ કરશે પણ જાગતાવેંત એ ફેસબુક પર મચી પડ્યો. હાથના એ અંગુઠા ધડાધડ લાઈક કરે જતા હતા. કઈ પોસ્ટ છે એને કઈ લેવા દેવા નથી. તીન પત્તીના જુગારના બંધની જેમ બંધમાં જ બધુ હાલતું. આ તો નિયમિતનો ક્રમ હતો.

ગમે તેની પોસ્ટ હોય લાઈક કરી દેવાની. આપડે લાઈક કરશું તો એ પણ આપડી પોસ્ટને લાઈક કરશે. આવો વ્યવહાર બાંધી રાખેલો.જેથી પોતાની સેલ્ફી કે પોસ્ટ પર સૌથી વધુ લાઈક આવે.

કોલેજના એ લવરમુછીયા ફેસબુકમાં કોની પોસ્ટને સૌથી વધુ લાઈક પડી છે એની જ ચર્ચા કર્યા કરતા. ક્યારેક તો હાથમાં કેંડી ઓગળી જતી કા ચા ઠંડી થઈ જતી પણ ફેસબુક માંથી વાલીડો રુકસદ જ નહોતો લેતો.

હાથ એનો હંમેશા મોબાઈલ જડિત રહેતો. આંગળીઓમાં ‘લાઈકની’ રીંગુ પહેરતો અને કાંડામાં ‘પલીઝ શેર માય પોસ્ટ’ નું બેન્ડ પહેરતો.

બુકનો તો એ કીડો હતો. પણ આ બુક એવી હતી કે જેમાં પન્ના નહોતાં !! પોસ્ટ તો આવતી પણ પીનકોડ નહોતા !! પોસ્ટ ઓફિસની જેમ એમા અવકાશ કે હડતાળની કોઈ અસર થતી નહી !! એવો ફેસબુકનો એ બુકી બની ગયેલો !!

જાગીને એ ટોયલેટમાં બેઠો હતો. ફેસબુકમાં લાઈક કરે જતો હતો. વચમાં એક છોકરીની રિકવેસ્ટ આવેલી. છોકરીની રિકવેસ્ટ આવેલી એટલે ઝાકીને જોવું તો પડે ને !!

ગોપીઓનો મુરલીધર અને સંગાથે રાધા એની પ્રફાઈલ પિક્ચરમાં અને સ્ટેટ્સમાં ” પ્રેમને કોઈ પરંપરા ના નડે વ્હાલા” લખેલું હતું. પ્રોફાઈલ પરથી લાગતું હતું કે નક્કી કોઈ છોકરીની જ આઈડી છે.

વધારે ઊંડાણમાં ગયો. મોટા ભાગની પોસ્ટ રસોઈની રેસિપિ, હેર સ્ટાઈલ અને ભગવાનના ફોટા હતા. બધી ઝાકમઝોળના અંતે લાગ્યું કે નક્કી કોઈ છોકરીની જ રિકવેસ્ટ આવી છે. ચહેરા પર સલમાન જેવી સ્માઈલ હતી ને બે દિવસની કબ્જ પણ ઉતરી ગઈ હતી.

બ્રશ પણ હવે સંગીતના તાલે થયું ને ‘ તેરા મોબાઈલ કા બિલ અબ મેરા હો ગયા’ ગાતો ગાતો એ નાહિ રહ્યો હતો. સૌથી મોંઘી જોડ પહેરી આજે એ કોલેજ ગયો.
ચહેરો પર બીટકોઈન જેવો ઝગમગાટ હતો. બધા મિત્રો એ પૂછ્યું કે આ ‘સેન્સેક્સ એટલો બધો ઉપર ચડેલો કેમ છે ?’ પણ ભાઈ તો અલગ જ મૂડમાં હતા. કોઈને કહે થોડા કે આજે છોકરીની રિકવેસ્ટ આવી છે. થાકીને મિત્રો સમજી જતા કે ફેસબુકમાં કંઈક નવાજુની હશે.

ફેસબુકમાં મેસેજ આવેલો તમે મને ગમો છો તમને મારા પ્રત્યે કોઈ ફીલિંગ છે કે નહિ ?

અરે બકુડી… હોય જ ને !!!

ત્યારબાદ એની લીલી લાઈટ ઓફ થઈ ગઈ.

રાજુએ મેસેજ અઢળક કર્યા પણ કઈ જવાબ આવ્યો નહીં. તે ઘણીવાર ઓનલાઈન દેખાતી પણ રાજુની સાથે લાઈન ખેંચાતી નહિ !
રાજુ એની ગ્રીન લાઈટ જોઇ વાટે રહેતો કે આજે તો રીપ્લાય આવશે જ ! રાહના અંતે પણ એની બકુડી વળતા પાણી કર્યા જ નહીં.

ફેસબુક તો દરરોજ ખોલતો પણ એનો કોઈ મેસેજ આવતો નહીં. રસ્મિતા નામક એ છોકરી હતી. રસ્મિતાએ સુંદર ફૂલોના બેક ગ્રાઉન્ડમાં ” જબ પ્યાર કિયા તો ડરના ક્યાં” લખીને પોસ્ટ મુકેલી.

રાજુએ એ પોસ્ટ જોઈને વિચાર્યું કે આજે તો રસ્મિતા ફૂલ મૂડમાં જ લાગે છે. આજે તો એ જરૂર રીપ્લાય આપશે.એટલે રાજુએ લાઈક કરી સાથે સાથે કોમેન્ટ પણ કરી કે ” પ્યાર કરને વાલે કભી ડરતે નહિ “.
….
……
…..typing

રાજુને એમ જ હતું કે હવે તો રીપ્લાય જરૂર આવશે પણ ફરી ગ્રીન લાઈટ ઓફ થઈ જતી અને રાજુની કબજિયાત પણ !!!

વિલા ચહેરે એ કોલેજ ગયેલો ! ચહેરો પડિકાની જેમ ચોળાઈ ગયેલો ! તેના પરમ મિત્રે પૂછ્યું ” આમ કા ગાભાના દડા જેવો દેખાય છે ? ‘નિફટી’ તૂટી ગઈ કે શું?

હા. ભગલા કૈંક કર. એની રિકવેસ્ટ સામેથી જ આવેલી. દરરોજ એ મારી પોસ્ટને લાઈક પણ કરતી. એણે જ મને સામેથી પૂછેલું કે હું એને ગમુ છું !

” હા તે પછી”

હવે તો નથી લાઈક આવતી કે મેસેજ ! પોસ્ટ મૂકે છે રોમેન્ટિક રોમેન્ટિક ! પણ જવાબ આપતી નથી.

” એમાં એટલું બધું ઊંડું નહિ ઉતરવાનું ” ભગલાએ કહ્યું.

“હા પણ હવે ઉતારાઈ ગયું છે. ત્રણ દિવસથી ફાકી ખાવ છું છતાં મારી કબજિયાત પણ નથી મટતી !! બોલ !!”
ભગલો તો હસી હસી ને બઠ્ઠો પડી ગયો !

“અહીંયા મારો જીવ જાય છે ને તને હસવું આવે છે ?”
સેલ્ફી લેતી વખતે જે મોઢના આકાર બદલાય એમ એ રાજુનું મોઢું ઉત્તમ સેલ્ફી માટેનું શુભ મુહુર્ત હતું એવું લાગતું હતું.

ઘરે જઈને રાજુ પથારીમાં પડ્યા પડ્યા ફેસબુક ખોલે છે. આજે નોટિફિકેશનમાં માત્ર એક જ મેસેજ હતો. અને એ હતો રસ્મિતાનો !
રાજુએ ઝટ મેસેજ વાંચ્યો. લખ્યું હતું.. ” ક્યારે મળવા આવશો ?”

“તું કે ત્યારે”
રસ્મિતાની ગ્રીન લાઈટ ઓફ થઈ ગઈ ને રાજુની ઊંઘ ઊડી ગઈ. આખી રાત પડખા ફેરવી ફેરવીને કાઢી. સવારમાં માંડ આંખ વિચાણી ત્યાં કોલેજ જવાનો સમય થઈ ગયો.
ઝટપટ તૈયાર થયો પણ મેસેજ ન આવવાને લીધે એ દુઃખી હતો. કોલેજમાં આજે ભગલાએ ફરી પૂછ્યું કે “શું થયું મારા હીરાને ? ”

આમ ઉતરી ગયેલો કેમ છે ? હવે તો વેલેન્ટાઈન નજીક છે. તારે જવાબ કઈ આવ્યો કે નહીં ?

” હા. આવેલો..મળવાનું કે છે પણ ક્યાં અને ક્યારે એ તો નક્કી જ નથી થયું. ”

“શુ વાત છે ? મેસેજ આવ્યો એમને ?”

“પણ પછી કઈ વાત નથી થઈ”

ભગલાએ ફરી સાંત્વના આપી અને બને છુટા પડ્યા.

રાજુ મેસેજની રાહમાં હતો. ક્યાંય ચેન નહોતું પડતું એટલે એ અગાશીની પાળ પર પગ લબડાવીને બેઠો હતો. અચાનક મેસેજ આવ્યો.

” Hi ”

“Hi”

કાલે વેલેન્ટાઈન છે. હું તને મળવા માંગુ છું.અને તું ?

” હું પણ ”

લાંબી રોમેન્ટિક વાતો પછી કોલેજના પાછલા કમ્પાઉન્ડમાં મળવાનું નકી થયું.

રાજુ ખૂબ ખુશ હતો. ફરી સેન્સેક્સ ચઢ્યો અને રાજુએ મીઠા સ્વપ્નોના રોકાણ કર્યા.

સવારે વિના ચૂર્ણ પેટ સાફ ઉતરેલું. ફરી મોંઘી જોડ પહેરી. પરફ્યુમ લગાવ્યું.મિત્રના લગ્નમાં લીધેલા બુટ પહેર્યા અને માથામાં એક બાજુ “ઓઘા” ઉભા હોય એમ સેટ વેટનું જેલ નાખી તૈયાર થયો.

બાઈક થોડી સ્પીડમાં હતી. એકાદ બે ટ્રાફિક સિગ્નલ તૂટી ગયેલા. બધાયે બમ્પ ઠેકડયે જતો હતો. એક લારીને ટક્કર મારતો ગયેલો. આખરે એ કોલેજ પહોંચ્યો.

ફટાફટ એ કોલેજના પાછળના ગેટ પર ગયો જ્યાં મોટું મેદાન હતું. રસ્મિતાની પીઠ દેખાતી હતી. થોડોક તડકો હોવાને લીધે માથા પર ચુંદડી નાખેલી હતી. એ નજીક પહોંચવામાં હતો. રસ્મિતાએ પિંક ટીશર્ટ પહેર્યું હતું પણ એનો ચહેરો હજુ દેખાતો નહોતો.

રાજુ એની નજીક પહોંચ્યો અને કહ્યું કે ” હેપી વેલેન્ટાઈન ડે ”

” હેપી વેલેન્ટાઈન રાજુ” વળતો જવાબ આવ્યો.

રાજુ એની સામે જાય છે અને એનો ચહેરો જુવે છે.

એ ભગલો હતો. એનો લંગોટિયો મિત્ર. ભગલો દોટ મૂકી નાસવાનો પ્રયત્ન કરે છે પણ રાજુ એને પકડીને ગડદાપાટુની ઝીક બોલાવે છે.

ભગલો હસતો હસતો બોલે છે ” બીટકોઈનનું સુરસુરીયું થઈ ગયું !! સેન્સેક્સ ઉતરી ગયો ! રોકાણકારો ન્યાલ થઈ ગયા !!

રાજુ આજ પછી કોઇ છોકરીની રિકવેસ્ટ લેતો નથી ને નક્કી કર્યું કે ફેસબુકમાં હવે પોતાનો સમય ક્યારેય બગાડશે નહિ..

ભગલાએ પોતાના મિત્રને ફેસબુકમાંથી બહાર કાઢવા આ પરાક્રમ હાથ ઘરેલુ. રાજુને દુઃખ ઘણું થયું પણ સમય જતાં ભાન પણ થયું.

લેખક :
👍 કલ્પેશ ઢોલા( ગુજ્જુફેન મસ્તી)
👍 શ્રી દેવળીયા પ્રાથમિક શાળા

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here