ક્ષેત્રમાં અન્ન

આપણા સમાજમાં અન્નક્ષેત્રના રૂપાળા ધાર્મિક ઓથાર હેઠળ લોકોને સ્વર્ગપ્રાપ્તિની લોલુપતા બતાવી વૈભવી જીવન જીવતા ધાર્મિક સંસ્થાનો અને તેના સંચાલકો/મઠાધિપતિઓ માટે આ લેખ સમર્પિત છે :

સને 1982માં વડોદરા ખાતે આધુનિક શુકદેવજી રૂપે વૈષ્ણવ સમાજમાં ભાગવતકથાનું પાન કરાવનાર ડોંગરેજી મહારાજની કથા વડોદરા જિલ્લાના નસવાડી તાલુકામાં અન્નક્ષેત્ર ઊભું કરવા માટે યોજાયેલી. આ કથામાંથી 150000 રૂપિયા ભંડોળ ભેગું થયું હતું. આ પહેલાં પણ ડોંગરેજી મહારાજના કથાભંડોળમાંથી અન્નક્ષેત્ર ઊભાં કરવામાં આવ્યાં હતાં.

એ સમયે હું નસવાડી તાલુકામાં રક્તપિત્ત નિવારણ સેવાકાર્ય સંભાળતો હતો. મારી રચનાત્મક કાર્ય પદ્ધતિથી અજાણ એવા ડોંગરેજી મહારાજના વર્તુળના લોકોએ મને નસવાડી તાલુકામાં ઊભા થનાર અન્નક્ષેત્રનું સંચાલન સંભાળવા કહ્યું. મેં એ લોકોને સીધી ના ન પાડી, પણ એમના કોઈ ચાલુ અન્નક્ષેત્રની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી. એમની પાસેથી સરનામું લઇ હું અંબાજી ગયો અને ત્રણ દિવસ રોકાયો પણ અન્નક્ષેત્રનો એક પણ લાભાર્થી જોવા ન મળ્યો!

ડોંગરેજી મહારાજના વહીવટકર્તાઓએ એક લોજવાળા સાથે એવું ગોઠવેલું કે, શાળાએ જતાં બાળકો ત્યાં જમીને જાય. (એ સમયે મધ્યાહન ભોજન યોજના અમલમાં આવી ન હતી.)

હું સીધો ડોંગરેજી મહારાજને મળ્યો અને બોગસ ચાલતા અન્નક્ષેત્ર અંગે વાત કરી. મહારાજે એક તપાસપંચ મોકલી તપાસ કરાવી. મારો રિપોર્ટ સાચો ઠર્યો. ડોંગરેજી મહારાજને મારી વાતમાં વિશ્વાસ બેઠો છે એવું મેં અનુભવ્યું એટલે મહારાજને મેં સરળ ગણિત સમજાવ્યું: આપણી પાસે વડોદરા જિલ્લાના નસવાડી તાલુકામાં શરૂ કરાનાર અન્નક્ષેત્રનું ભંડોળ 150000 રૂપિયા છે, એને બેંકમાં ફિક્સ્ડ મૂકવાથી મહિને 1500 રૂપિયા વ્યાજ મળે. એમાંથી રસોઇયા, વાસણ માંજનારના મહિનાના 1000 રૂપિયા વેતન બાદ કરીએ પછી બાકી વધે 500 રૂપિયા, એટલે કે રોજના 17 રૂપિયા!
આ 17 રૂપિયામાં રસોઈયો અને વાસણ માંજનાર જમે! એટલે કે બોગસ અન્નક્ષેત્ર જ ચાલે !!!
મારી વાત ડોંગરેજી મહારાજના ગળે ઉતરી ગઈ! મને લાગ્યું કે, મહારાજને મારી સમજણ મુજબની યોજના જણાવવી જોઈએ.

મેં કહ્યું : આ ભંડોળ જો અન્નક્ષેત્રના લીધે લોકો મફતનું ખાવાની વૃત્તિવાળા થાય, એને બદલે લોકોને પોતાના ખેતરમાં આધુનિક ખેતીથી વધુ અનાજ પકવતા થાય અને પોતાના પરિવારનું ભરણપોષણ સારી રીતે કરી શકે તેવો પ્રોજેક્ટ મારી પાસે છે અને તેના સંચાલન માટે મારી તૈયારી છે.

ડોંગરેજી મહારાજે મારી વાત રાજી થઈને સ્વીકારી. મહારાજની સંમતિથી એમના વર્તુળના લોકોનાં મોં પરની નારાજગી મારાથી અછાની ના રહી.

નસવાડી તાલુકાનાં 23 ગામોમાં ડોંગરેજી મહારાજના કથાભંડોળમાંથી સિંચાઈ યોજનાઓ તૈયાર કરી. બારે માસ વહેતી નાની નદીઓનાં નીર ખેડૂતોના ખેતરોમાં આવતાં મબલખ પાક ઊતર્યો. આવક વધતાં લોકો આધુનિક સાધનો વસાવતા થયા. નવા પાકોની ખેતી થવા લાગી!

મેં ડોંગરેજી મહારાજને અન્નક્ષેત્રને બદલે ક્ષેત્રમાં અન્નની યોજના અંતર્ગત સિંચાઈ યોજનાઓ જોવા માટે વિનંતી કરી. આ સિંચાઈ યોજનાથી સરકારને મારી કામગીરીમાં રસ પડ્યો અને અશ્વિન નદી પર બાંધવામાં આવેલ ધામસિયા બંધનું સંચાલન મને સોંપવામાં આવ્યું. વર્ષોથી સિંચાઈ વગરનો બંધ હાલતમાં પડેલ ધામસિયા બંધમાંથી સિંચાઈ થતાં પાંચ ગામોની હજારો એકર જમીનને પાણી મળ્યું. એની નોંધ દૂરદર્શને પણ લીધી.

આ સફળતા નજરે નિહાળી ડોંગરેજી મહારાજે રાજીપો વ્યક્ત કરતાં અંબાજી અન્નક્ષેત્રના ભંડોળમાંથી આવી યોજના શરૂ કરવા કહ્યું. એ ભંડોળમાંથી ધરોઈ બંધના ડૂબાણવાળા વિસ્તારના વિસ્થાપિતોને દાંતા તાલુકામાં વસાવેલ ગામોમાં 3000 હેક્ટર જમીન સિંચાઈની સુવિધા ધરાવતી થઈ!

આપણા સમાજમાં અનેક ધાર્મિક સંસ્થાનોમાં અઢળક નાણાં જમા છે. ભગવાનના નામે ધાર્મિક સંસ્થાઓ પાસે જમા થયેલ સંપત્તિનો સદુપયોગ સમાજનાં આવાં વિકાસ કાર્યોમાં વપરાય તો કેવું સારું!?

લેખક : દશરથ પંચાલ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here