તજના ગજબના ફાયદા

તજ!મોમાં નાખ્યા ભેગાં થોડી પહેલાં થોડી મિઠાશ અને પછી તમતમાવી દે તેવી તીખાશ આપતી ઝાડની છાલો!એક પ્રકારનો તેજાનો,આવા તેજાનાના વેપારને બહાને અંગ્રેજોએ ભારતને બસ્સો વર્ષ માટે ફોલી ખાધું!જે મસાલાઓ માટે થઇને યુરોપના અનેક નાવિકો મધદરિયે અંતરાયા,વાસી ખોરાક ખાઇને પેટ ભર્યાં,ભટકી ગયાં એવા મસાલામાં કંઇક તો હોવું જ જોઇએ!તજ પણ એવો જ એક મસાલો છે.જેનો આપણે રસોઈમાં તો કાયમને માટે ઉપયોગ કરીએ જ છીએ પણ તેના ઔષધિય ફાયદાઓ વિશે લગભગ નથી જાણતાં.

તજનું વૈજ્ઞાનિક નામ Cinnamomum Verum (સિનેમોમન વેરમ) છે.મુળે તે શ્રીલંકાનો છોડ છે.જાવા,સુમાત્રા અને ભારતના ઘણા ભાગોમાં પણ થાય છે.બે વર્ષ બાદ પરિપક્વ થતાં ૧૦ મીટરના છોડની ડાળખીઓની છાલમાંથી તજ નામક તેજાનો મેળવવામાં આવે છે.એની ડાળ પર કઠણ,લાંબી પ્રક્રિયા બાદ તેલ પણ મેળવવામાં આવે છે.

દાળ,શાક જેવી વાનગીઓમાં વ્યાપક પ્રમાણમાં વપરાતા આ તેજાનાના ઔષધિય ગુણો પણ જેવાં-તેવાં નથી.ડાયાબિટીસથી લઇને શરીરની અનેક બીજી મોટી-નાની બિમારીઓમાં તજ ઉપયોગી છે.તજના ઔષધિય સેવન માટે તેનો ભુક્કો કરીને પાવડર બનાવવામાં આવે છે.અહીં આપણે જાણીશું તજના ઔષધિય ગુણો વિશે :

તજમાં મેગેનીઝ,ફાઇબર અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે.વળી તે ફૂગપ્રતિકારક,બેક્ટેરીયાનાશક અને વાઇરસનો પ્રતિકાર કરનાર પણ છે.તજના પાવડરનું થોડી માત્રામાં સેવન કરવાથી શરીરના આંતરીક પ્રોબ્લેમને લીધે થતી ફોલ્લીઓ અને ખીલ દુર થાય છે.

મધ સાથે તજનો ઉપયોગ કરવામાં આવે તો જોરદાર ફાયદાઓ થાય છે.બંને ઔષધ જ છે અને એ પણ અસરકારક રોગનાશક.૧ ચમચી મધ સાથે તજનો પાવડર લેવાથી એસિડિટીની સમસ્યા દુર થાય છે.પેટના અન્ય દુ:ખાવામાં પણ આથી રાહત મળે છે.અપચાની સમસ્યા દુર થાય છે અને ભોજન રુચિકર લાગવા માંડે છે.

૧ ચમચી તજનો પાવડર અને મધ મિશ્ર કરીને લેવાથી બહેરાશની સમસ્યામાં ફાયદો જણાય છે.કાનમાં ઓછું સંભળાવા લાગ્યું હોય તો તજના તેલના બે ટીપાં કાનમાં નાખવાથી પણ સમસ્યામાંથુ છુટકારો મળે છે.

તજ હ્રદય માટે ખાસ્સી ફાયદાકારક છે.તે લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.આથી કરીને હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.

ડાયાબિટીસના રોગમાં તજ અક્સર ઇલાજ તરીકે સામે આવી છે.વાત નોંધ લેવા યોગ્ય છે.તજના સેવનથી ડાયાબિટીસમાં ઘટાડો થાય છે.કારણ કે,તજ શર્કરાના પ્રમાણને ઘટાડી નાખે છે.ડાયાબિટીસના દર્દીએ જરૂરથી કોઇ તજજ્ઞ આયુર્વેદિકની સલાહ લઇ તજનું સેવન આરંભી દેવું જોઇએ.

એક સંશોધનમાં બહાર આવ્યું છે કે, દરેક ભારતીયએ રોજના ભોજનમાં ત્રણ ગ્રામ તજ તો લેવી જ જોઇએ.આનાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે.શરદી,ખાંસીમાં રાહત માટે પણ તજ ઉપયોગી છે.સામાન્ય રીતે સેવન માટે તજના પાવડરનો ઉપયોગ કરવો જોઇએ.

તજ અને મધનું સેવન કરવાથી વજનની સમસ્યા ઘટી જાય છે.વધારે વજનવાળી વ્યક્તિ માટે આ ઉપાય બેસ્ટ છે.એ વાત સાબિત થયેલી છે કે,તજ અને મધનું સેવન કરનાર વ્યક્તિ આનું સેવન ન કરનાર વ્યક્તિની સાપેક્ષે પોતાનું વજન ત્વરીત ઘટાડી શકે છે.

તજના પાવડરને સવારે ચા સાથે પણ લઇ શકાય છે.કાયમ સવારે એક ગ્લાસ હળવા શેકાયેલા પાણીમાં એક ચમચી તજનો પાવડર નાખીને પીવાથી અનેક ફાયદાઓ થાય છે.તજના આવા ઉપયોગોનો પ્રયોગ કરવાનું ભુલવું ના જોઇએ.

તજ માત્ર તેજાનો જ નથી એ વાતની હવે તો તમને સાબિતી મળી જ ગઇ હશે!તો હવે શરૂ કરી દો કાયમ એક ચમચી તજનું સેવન.આ આર્ટીકલ ઉપયોગી લાગે તો અવશ્ય આપના મિત્રો સાથે પણ શેર કરજો,જેથી અન્ય લોકો પણ કંઇક મેળવી શકે આમાંથી.

લેખક : કૌશલ બારડ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here