હનુમાનજીની પૂજા માટે વપરાતા આંકડાથી તો બધા જ પરીચીત હશે.દરેક શનિવારે ભાવિકો આંકડાના ફુલની માળા હનુમાનજીને અર્પણ કરે છે.આંકડા વિશે આપણે ત્યાં ઘણી કહેવતો છે જેવી કે,”ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો”!મતલબ કે બકરી કાંકરા સિવાય બધી વસ્તુ કાચરકુચર કરીને ખાઇ જાય છે જ્યારે ઊંટ આંકડા સિવાય બીજી બધી વનસ્પતિ ખાઇ શકે છે.આના પરથી ખ્યાલ આવે છે કે આંકડો ઝેરી પણ છે!

આંકડાનો સપ્રમાણ છોડ મોટે ભાગે ઉનાળામાં ઉછરે છે જ્યારે ચોમાસું આવતા તે સુકાઇ જાય છે.ખેતરને શેઢે,પાદરમાં વગેરે જગ્યાએ આંકડો પ્રાપ્ય છે.હનુમાનજીને અને શનિદેવને આંકડાના ફુલ પ્રિય હોઇ તેમની પૂજા માટે આંકડાના ફુલની ઘણી બોલબાલા છે.

 

પણ આંકડાના આયુર્વેદિક ફાયદાઓ પણ ઘણા ઉત્તમ છે!હાં,આંકડાનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આપણા શરીર માટે દુ:ખહર્તા પણ સાબિત થઇ શકે છે.

આંકડાના પર્ણ સફેદ ઝીણી રુંવાટીયુક્ત લીલા હોય છે,પાકી ગયા બાદ તે પીળા પડી જાય છે.આંકડાના ફુલ સફેદ અને આછા જાબુંડી રંગી છજાદાર હોય છે.જેની રંગીન પાંખડીઓ પણ હોય છે.આંકડામાં કેરીના ગોટલા આકારનું ફળ આવે છે.જે પાકી ગયા બાદ તેમાથી રૂ જેવો એકદમ હલકો પદાર્થ નીકળે છે.જેમાં તેમના બીજ રહેલા હોય છે.હવામાં આ પદાર્થ ઉડે છે અને બીજી કોઇ જગ્યાએ પડે છે.એ ભેગાં આંકડાના બીજ પણ સાથે હોઇ આંકડાની સંતતિ વધે છે.

આંકડાની ડાળીઓમાંથી સફેદ ચીકણો દુધ જેવો પદાર્થ નીકળે છે.જે ઘણો ઝેરી હોય છે.પેલાના સમયમાં લોકોને હડકવા ચાલતો તો તેમને આંકડા સાથે બાંધી દેવાતા!

આ રીતે શરીરને ઉપયોગી છે આંકડો –

આંકડાના મૂળ ઘણા જ ઉપયોગી છે.તે શરીર માટે દુ:ખહારક છે.આંકડાના મૂળને ઘસીને લગાવવાથી નખનો રોગ દુર થાય છે.

તદ્દોપરાંત,જો ટાઢિયો તાવ/શીત જ્વરની બિમારી હોય તો આંકડાના મૂળને છાંયડામાં સુકાવીને તેનો ભુક્કો કરવો.ત્યારબાદ તેમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વરની બિમારી દુર થાય છે.

આ રીતે થાય છે ગઠિયાની બિમારીનો ઇલાજ –

આંકડાના મૂળ ૨ શેર વજન જેટલા લઇ એને ચાર શેર પાણીમાં ઉકાળો.જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે આ મૂળ કાઢી લેવાં અને પાણીમાં ૨ શેર ઘઉં નાખી દેવા.જ્યારે ઘઉં બધું પાણી શોષી લે ત્યારે આ ઘઉં કાઢી લઇ સુકવી લેવા.આ ઘઉંનો લોટ દળીને આ લોટની બાટી અથવા રોટલી બનાવી એમાં ગોળ તથા ઘી મેળવી દરરોજ ખાવાથી ગઠિયા બાદ દૂર થાય છે.ઘણા દિવસોથી હેરાન કરતો ગઠિયાનો રોગ ૨૧ દિવસમાં મટી જાય છે.

 

ઉધરસનો ઇલાજ –

વધારે પડતી ઉધરસ આવતી હોય તો આંકડાના મૂળના ચૂર્ણમાં મરી પીસીને મિશ્રણ બનાવો.ત્યારબાદ આ મિશ્રણની નાની ગોળીઓ બનાવીને ખાવાથી ઉધરસ મટે છે.આમ જ રીતે હૈજાની બિમારીમાં આંકડાના ચૂર્ણની સાથે આદુ અને મરીના ચૂર્ણની ગોળીઓ બનાવીને લેવાથી રાહત થાય છે.

કડુઆનું તેલ અને આંકડાની રાખનો લેપ ચોપડવાથી ખંજવાળ આવતી મટે છે.

આમ,આવી ઘણી રીતે આંકડો ઉપયોગી છે.શક્ય હોય તો આંકડાના મૂળને બે-ત્રણ દિવસ છાંયડામાં સુકવીને એનો ભુક્કો કરી ચૂર્ણ એકત્ર કરીને મુકી દેવું જોઇએ.જ્યારે જરૂર પડે ત્યારે એમાંં જે-તે ચીજ ઉમેરી લઇ શકાય.

લેખક : કૌશલ બારડ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here