લગભગ તમામ ગૃહિણીઓએ “નિરમા”નામ સાંભળ્યું જ હશે!દેશ અને દુનિયાની લબ્ધ પ્રતિષ્ઠીત કંપની એટલે નિરમા!ડિટર્જન્ટ પાઉડર,સાબુ અને કોસ્મિકનો બહોળો કારોબાર ધરાવતી નિરમા કંપની આજે વિશ્વભરની ગંજાવર કંપનીઓને આ ક્ષેત્રમાં તોબા પોકારાવે એટલી હદે શક્તિશાળી બની છે!એમાંયે હવે તો વાસણ કે કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાવડર એટલે નિરમા જ;એવો પર્યાય પણ થઇ પડ્યો છે.કપડા ધોવાના સાબુથી લઇને નહાવાના સાબુ સહિત કોસ્મેટીક ક્ષેત્રમાં બહોળો વ્યાપાર ધરાવતી નિરમા કંપની પાછળ રહેલા વ્યક્તિની સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે.

નિરમા કંપનીના સ્થાપક છે – કરસનભાઇ પટેલ.ઇ.સ.૧૯૪૫માં એક સાધારણ ખેડુત પરીવારમાં જન્મેલ કરસનભાઇ આજે અંદાજે ૨૫૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી નિરમાના માલિક છે!કરસનભાઇનો જન્મ મહેસાણાના રૂપપુરમાં થયો હતો,જે હાલ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ છે.પિતા ખોડીદાસ પટેલ એક ખેડુત હતાં.

કરસનભાઇએ રસાયણક્ષેત્રમાં સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો.એ પછી તેઓ ગુજરાત સરકારના જિયોલોજી એન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટમાં લેબ આસિસટન્ટ તરીકે જોડાયા.ગવર્મેન્ટ જોબ હતી છતાં પણ કરસનભાઇએ થોડા સમય પછી જોબ છોડી દીધી!કારણ એનો જીવ કોઇની નીચે નહી,પોતાનું કંઇક ઊભું કરીને જીવવા માંગતો હતો-પછી ભલે ભુખે બેસવું પડે!

અમદાવાદમાં એકદમ નાના પાયે તેમણે કપડાં ધોવાના પાઉડરની કંપની સ્થાપી.ઘરે-ઘરે તેઓ સાઇકલ લઇને આ ડિટર્જન્ટની થેલીઓ આપવા જતાં.ધીમે-ધીમે લોકોને આની ગુણવત્તા સારી લાગી,માંગ વધી.

એ વખતે ડિટર્જન્ટ ખુબ મોંઘા હતાં,માટે સામાન્ય વર્ગ માટે એ એક સપનું જ હતું.પણ કરસનભાઇએ નિર્ધાર કર્યો કે,તેઓ સમાન્ય ભાવે ગુણવત્તાયુક્ત ડિટર્જન્ટ આપશે.અને એ તેમણે કરી બતાવ્યું!તેમના ડિટર્જન્ટની માંગ પુરબહાર વધવા માંડી.દેશની ટોચ ક્રમાંકિત ડિટર્જન્ટ ફિલ્ડની કંપનીઓને હવે પરસેવો આવવા માંડ્યો!

કરસનભાઇએ કંપનીનું નામ “નિરમા” રાખ્યું,જે પોતાની પુત્રી નિરૂપમાના નામ પરથી પાડેલું.પછી તો નિરમા ગ્રુપ બન્યું.ભારતભરમાં તેમના ઉત્પાદનો વેંચાવા લાગ્યાં.કોસ્મોટિક ક્ષેત્રમાં નિરમાએ ઝંપલાવ્યું.કપડા ધોવાના સાબુનું પણ ઉત્પાદન શરૂ થયું.અને એ રીતે પોતાની પ્રોડક્ટમાં વિધવિધ ભાતો ઉમેરતી નિરમા આ ક્ષેત્રની સૌથી પ્રખર મહારથી કંપની બની ગઇ !

હાવર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ ફિલ્ડના માંધાતો આ ખેડુતના દિકરાની કોઠાસુઝ ઉપર રીતસર સંશોધન અને અભ્યાસ કરવા મંડી પડ્યાં!કરસનભાઇના કહેવા મુજબ તમે હરીફને તો જ હરાવી શકો જ્યારે તમે એની દુ:ખતી નસ પકડવામાં સમર્થ બનો!

આજે કરસનભાઇ ખોડીદાસ પટેલ સમાજ અને દેશ માટે એક પ્રેરક ઉદાહરણ બની ચુક્યાં છે.નિરમા ગ્રુપ વાર્ષિક ૨૫૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે.કરસનભાઇને ૨૦૦૫ની ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં ધનિક લોકોની પ્રતિષ્ઠીત યાદીમાં સ્થાન મળેલું.

ઔધોગિક ક્ષેત્રની વિશિષ્ટ કામગીરી બદલ ભારત સરકાર તરફથી તેમને ઇ.સ.૨૦૧૦માં “પદ્મશ્રી”પુરસ્કાર એનાયત થયો હતો.લક્ષ્ય ઉંચું રાખો અને તનતોડ મહેનત કરો-મંઝીલ મળશે જ એ પ્રેરણા આ વાત પરથી જરૂર મળે છે!

લેખક : કૌશલ બારડ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here