મોઢેશ્વરી માતાજી – મોઢેરાનો ઇતિહાસ

મોઢેશ્વરી માતાજીના અત્યારે ગુજરાતમાં ઘણા ઠેકાણે મંદિરો આવેલા.જો કે,મોઢેરામાં આવેલ મંદિર સૌથી પ્રાચીન છે કારણ કે તે મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય સાથે જોડાયેલ છે.આ ભૂમિ પર જ માતાજી પ્રગટ થયેલા.મોઢેશ્વરી માતા મોઢ બ્રાહ્મણ-વૈશ્ય અને ક્ષત્રિયના કુળદેવી છે.તેમને “માતંગી માતા” પણ કહેવાય છે.

મોઢ શબ્દનો અર્થ થાય છે,સર્વ સદાચારથી સંપન્ન.મોઢેશ્વરી માતા મોઢેરાની ભૂમિ પર પ્રગટ્યા એ પાછળનો ઇતિહાસ પણ જાણવા જેવો છે.એ પહેલાં મોઢેરા વિશે પણ જાણી લેવું જરૂરી છે :

મોઢેરાએ પ્રાચીનકાળથી જ અતિ પવિત્ર ભૂમિ તરીકે વિખ્યાત છે.તેત્રાયુગમાં આ ભૂમિ “સત્યમંદિર” તરીકે ઓળખાતી,દ્વાપર યુગમાં “વેદ ભુવન”,જ્યારે કળિયુગના આરંભ કાળમાં આ સ્થાન “મોહર કપુર” અને હાલ “મોઢેરા” તરીકે પ્રખ્યાત છે.આ મોહર કપુરની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાલમાં ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો.જેનું મહત્વ કેવું હતું એ વાતનો ખ્યાલ આ એક દાખલા પરથી આવી જશે – એકવાર મહર્ષિ વેદ વ્યાસે મહર્ષિઓને કહેલું કે,જો મોક્ષ મેળવવો હોય તો આ જગતમાં બે જ સ્થાનો એવા છે કે જ્યાં તપસ્યા કરવી.એક છે ઉત્તર પ્રદેશનું નૈમિષારણ્ય અને બીજું ગુજરાતનું ધર્મારણ્ય !

આ ભૂમિ પર બ્રહ્માજીએ પણ તપસ્યા કરેલી અને ધર્મરાજાએ પણ વર્ષો સુધી તપસ્યા કરેલી જેના બદલામાં આ સ્થળને પોતાના નામ સાથે જોડવાનું વરદાન મેળવેલું.જૈથી આ સ્થળ “ધર્મારણ્ય” તરીકે ઓળખાવા લાગ્યું.ભગવાન રામે પણ અહિં પૂજન કરેલું,જ્યારે તેઓ રાવણને રોળીને અયોધ્યા આવેલા.મહર્ષિ વશિષ્ઠએ તેમને આ માટે સુચન કરેલું.

મોઢેશ્વરી માતાની પ્રાગટ્ય કથા –

મોઢેરાનાં આ ધર્મારણ્ય પ્રદેશમાં કર્ણાટ નામના દૈત્યનો ભારે પ્રકોપ હતો.અહીં આવતી જતી લગ્ન્ની જાનને લૂંટતા, લોકોની હત્યા કરતો.દૈત્યનાં આવા ત્રાસથી અહીંના વિપ્રો અને વણિકોએ માતાનાં ચરણોમાં જઈને આ કર્ણાટ આસુરના જુલ્મોથી છોડાવવાની વિનંતી કરી.ભક્તોનાં આ દુઃખો સાંભળીને માતાજીએ રાક્ષસને હણવા ભયંકર રૂપ ધારણ કર્યું.

તેમનાં મુખમાંથી અગ્નિજવાળા પ્રગટવા લાગી.નેત્રો લાલધૂમ થયા.માતાજીની અઢારભૂજાઓમાં જુદા-જુદા અસ્ત્ર શસ્ત્રો હતા.એ પછી તેમનું દૈત્ય જોડે મહાભયંકર યુધ્ધ ખેલાયું.દેવી એ ખૂબ લડત આપીને રાક્ષસનો વધ કર્યો અને લોકોને આ આસુરનાં ત્રાસમાંથી મુક્ત કર્યા.મોઢેરાનાં વિપ્રો તથા વણિકોએ ધામધૂમથી વિજ્યોત્સવ મનાવ્યો.ત્યારથી માતંગી દેવી મોઢ સમાજમાં કૂળદેવી તરીકે પૂજાતા આવ્યા છે.

આ સિવાય પણ માતંગી માતા વિશેની અનેક કથાઓ પ્રચલિત છે.દિલ્હીનાં સુલ્તાન અલાઉદિન ખીલજી એ મોઢેરા ગામ પર આક્રમણ કર્યું.પાછળથી મોગલ સેનાએ દગો કરીને મોઢેરા નગરને લૂંટી લીધું.સૂર્યમંદિરને ખંડિત કરી તેની અનુુપમ કલાકૃતિઓનો નાશ કર્યો.

તે સમયે માતંગી માતાજીની મૂર્તિ ખંડિત ન થાય તે હેતુથી મૂર્તિને એક વાવમાં સંતાડી દેવામાં આવી.જે વાવ આજે ધર્મવાવ તરીકે ઓળખાય છે.ત્યારબાદ ફરીથી આ મંદિરનો જીણોદ્વારા કરવામાં આવ્યો.સંવત ૧૯૬૬માં મહાસુદતેરસનાં દિવસે મોઢેરામાંના માતાજીનાં મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યાર પછી આતિથિએ,દરવર્ષે માતાજીનો પાટોત્સવ ઉજવાય છે.

પાટોત્સવનાં માંગલિક દિવસે માતંગી મૈયાની કેસરસ્નાન થી પૂજા-અર્ચના થાય છે.માના સાન્ધિયમાં હોમાત્મક નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.તેમજ અન્નકૂટનો થાળ ધરાય છે,ફૂલોનો મનોરથ પણ થઈ જાય છે.

અહિં સંકળાયેલી એક રસપ્રદ વાત એ છે કે :

એક વાર પૃથ્વી ઉપર જળપ્રલય આવ્યો.તેવા સમયે ધર્મારણ્યમાં ‘શિવશર્મા’ નામનો બ્રાહ્મણ રહેતો હતો.તે જળપ્રલય જૉઇને પોતાની પત્ની ‘સુશીલા’ને સાથે લઇ લાકડાનો તરાપો બનાવીને ‘ત્રિશંકુ’ પર્વત ઉપર જતો રહ્યો.ત્યાં તેની પત્નીએ સુંદર પુત્રને જન્મ આપ્યો.કાળક્રમે બાળક થોડો મોટો થયો.એવામાં બ્રાહ્મણનું અવસાન થયું.તેની પત્ની પણ બાળકને ભગવાનના સહારે મૂકીને સતી થઇ.થોડા સમય પછી બાળક કલ્પાંત કરવા લાગ્યો.તેનું કલ્પાંત સાંભળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રગટ થયા. તેઓ બાળકને સાથે લઇને જતા રહ્યા.બાળકને ત્રણ દેવનું જ્ઞાન આપ્યું.બાળક મોટો થતાં એક દેવકન્યા સાથે તેનાં લગ્ન કર્યા.આ બ્રાહ્મણના ત્યાં ત્રણ પુત્રોનો જન્મ યો. તેઓનું નામ ‘દેવશર્મા’, ‘બ્રહ્મશર્મા’ તથા ‘વિષ્ણુશર્મા’ પાડયું. આ ત્રણેય પુત્રોના ત્યાં આઠ આઠ પુત્રોનો જન્મ થયો. આમ કુલ ૨૪ બન્યા.તેમનો વંશ કુલ ૧૮૦૦૦ બન્યા.આમ ત્રણ વેદો ભણવાથી ત્રૈવેદ મોઢ બન્યા તથા કુલ ૨૪ સંખ્યાથી ચાતુર્વેદીય મોઢ બન્યા.તેમણે ધર્મારણ્યની પૂર્વમાં ધર્મેશ્વરની સ્થાપના કરી, પિશ્ચમમાં સૂર્યમંદિર,ધર્મકૂપ, સૂર્યકુંડ તથા દક્ષિણ દરવાજે ગણપતિની સ્થાપનાઓ કરી. બ્રહ્માજીએ આ બ્રાહ્મણોની રક્ષા માટે ગાયની ખરીમાંથી ‘ગોભવા’ નામે વૈશ્યો તથા ક્ષત્રિયો ઉત્પન્ન કર્યા.આજે પણ મોઢેરાની પાસે ‘ગાંભુ ગામ છે.આમ બ્રાહ્મણ, વૈશ્ય તથા ક્ષત્રિય મોઢ ઉત્પન્ન થયા.

કાળક્રમે વિધર્મીઓના હાથથી માતાજીની મૂર્તિને બચાવવા બ્રાહ્મણોએ માતાજીને ‘વાવ’માં પધરાવ્યાં.વિધર્મીઓની ધર્મભ્રષ્ટ નીતિથી બચવા ધર્મારણ્યના બ્રાહ્મણોએ ગુજરાત,સૌરાષ્ટ્ર,ઇંદોર,ભોપાલ,ઉજજૈન વગેરે અલગ અલગ સ્થળોએ પોતાનો વસવાટ કર્યો. ગાયકવાડે રામરાજયની સ્થાપના કરી ત્યારબાદ તેમની મંજૂરી મેળવી ઇ.સ.૧૯૬૨માં માતાજીનો જીર્ણોદ્ધાર શરૂ થયો. ઇ.સ.૧૯૬૬માં મહા સુદ, ૧૩ના દિવસે માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઇ ધર્મશાળા,કોટ, સિંહદ્વારનું નિર્માણ થયું.

|| જય માં મોઢેશ્વરી ॥

લેખક : કૌશલ બારડ

 

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here