ભક્ત નરસિંહ રોજ સ્નાન કરવા આવતા તે દામોદર કુંડ

ગિરિ તળેટી ને કુંડ દામોદર,ત્યાં મહેતાજી નાહવા જાય… એવા ભજનમાં આ તીર્થભૂમિ શ્રીકૃષ્ણ અને તેમના પરમભકત નરસિંહના નામ સાથે સંકળાયેલી છે.આ દામોદર કુંડ ગિરનાર જતા રસ્તામાં આવે છે. કહેવાય છે કે ભક્ત નરસિંહ અહીં રોજ સ્નાન કરવા માગતા. અહીં પ્રાચીન દામોદરનું મંદિર પણ છે.

જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગમાં સોનરખ નદીમાં આ પવિત્ર અને પ્રખ્યાત કુંડ છે.તેને કાંઠે દામોદરરાયજીનું સુપ્રસિદ્ધ મંદિર છે. સ્કંદ ગુપ્તના સૂબા ચક્રપાલિતે,ઈ.સ. 457-458માં ચક્રભૂત વિષ્ણુનું આ મંદિર બંધાવ્યાનો પર્વતીય શિલા લેખામાં ઉલ્લેખ છે. આમ આ મંદિર ઘણું જ પ્રાચીન છે.આ મંદિરની પૂર્વ તરફની દિવાલ તથા તેના શિખરના ભાગનો જીણોદ્ધાર થયો હોય તેવું લાગે છે.પૌરાણિક માન્યતા મુજબ આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું.

લોકાકિત મુજબ ભક્તકવિ નરસિંહ મહેતા અહીં દર્શને આવતા અને જૂનાગઢના માંડલિકે જયારે તેમની ભકિતની કસોટી કરવાનો પડકાર આપ્યો ત્યારે દામોદરરાયે અહીંથી જ હાર આપી હતી એમ કહેવાય છે. ગિરનાર માહાત્મ્યમાં એવી પણ વાર્તા છે કે આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે. તદ્ઉપરાંત એમ કહેવાય છે કે આ કુંડના પાણીમાં હાડકાં આપમેળે ઓગળી જાય છે. તેમાં ચિતાભસ્મ નાખવામાં આવે છે છતાં તે પાણી શુદ્ધ રહે છે.

આ સ્થાને વિક્રમ સંવત 1473ના વર્ષનો એક શિલાલેખ પણ છે. તેમાં જણાવ્યા મુજબ દામોદર નામના કોઈ પરોપકારી સજ્જને યાત્રાળુઓ માટે બંધાવેલો મઠ છે.શ્રી મહાપ્રભુજીની બેઠક પણ અહીં છે.

ઈ.સ. 1826માં દીવના વ્યાપારી સંઘજીએ વાગીશ્વરી દરવાજાથી ગિરનાર સુધીનો માર્ગ બંધાવ્યો અને ઈ.સ. 1889માં દીવાન હરિદાસે દામોદરજીના મંદિરમાં જવા માટે પુલ બંધાવ્યો.

દામોદર કુંડની લંબાઈ ૨૭૫ ફૂટ અને પહોળાઈ ૫૦ ફૂટ છે.

નરસિંહ મહેતાની આ જગ્યા જોઇને પવન જરૂર થવાય જ !!!

લેખક : જનમેજય અધ્વર્યુ

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here